બોલિવૂડમાં સકારાત્મક પરિવર્તન..! હવે હીરોઈન બની રહી છે ‘હીરો’

બોલિવૂડમાં પહેલાં પણ મહિલાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનતી રહી છે, પરંતુ એ ફિલ્મોમાં મહિલાઓનાં પાત્ર ઘરેલુ, દબાયેલાં, હંમેશાં બલિદાન આપવા તૈયાર, પરિસ્થિતિ સામે મજબૂર હતાં. આજે પરિસ્થિતિ ઘણી બદલાઇ ચૂકી છે. આજે હીરોની જેમ હીરોઇનો માટે પણ નાયિકાપ્રધાન ફિલ્મો લખવામાં આવી રહી છે અને તેને સારી રીતે વણીને બનાવાઇ પણ રહી છે. આ એક સકારાત્મક પરિવર્તન છે. તાજેતરમાં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મો સંપૂર્ણ મહિલા કેન્દ્રિત હતી.

હિચકીઃ આ વર્ષે સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા નિર્દેશિત ‘હિચકી’ ફિલ્મમાં રાની મુખરજીએ એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું, જે ટુરેટ્સ સિન્ડ્રોમથી પીડાતી હતી, જેમાં વ્યક્તિ સતત હિચકીનો શિકાર બને છે, તેમાં રાનીએ એક ટીચરનું પાત્ર ભજવ્યું હતું, જે આ સિન્ડ્રોમથી પીડાતી હોય છે છતાં પણ વિપરીત પરિસ્થિતિ પર જીત મેળવે છે.

વીરે દી વેડિંગઃ એકતા કપૂર, રિયા કપૂર અને નિખિલ દ્વિવેદી નિર્મિત ‘વીરે દી વેડિંગ’ સંપૂર્ણ રીતે મહિલા પાત્રો પર આધારિત ફિલ્મ હતી, તેમાં ચાર સહેલીઓની કહાણી દર્શાવાઇ છે. જે એક લગ્નમાં હાજરી આપવા આવે છે પછી બિનધાસ્ત રીતે ફરે છે. આ ફિલ્મ સંપૂર્ણ રીતે મહિલા કેન્દ્રિત હતી. તેમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર આહુજા, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયા મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મ શશાંક ઘોષે નિર્દેશિત કરી છે.

રાઝીઃ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહેલી હરીન્દ્ર સિક્કાની નોવેલ ‘કોલિંગ સહમત’ પર આધારિત મેઘના ગુલઝાર નિર્દેશિત આ ફિલ્મમાં કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી આવેલી એક યુવતીની કહાણી છે, જેનાં લગ્ન પાકિસ્તાની ફોજી સાથે કરી દેવાય છે અને આગળ જતાં તે ભારત માટે જાસૂસી કરે છે.

આ ફિલ્મ થોડી હટકે હતી, કેમ કે તે અભિનેત્રીને એક અલગ જ રૂપમાં બતાવે છે. આલિયાનું સહમતનું પાત્ર એક એવી યુવતીનું છે, જેનું વૈવાહિક જીવન એક તરફ છે અને દેશ માટે જાસૂસી કરવી તેના પાત્રનો એક અલગ જ પહેલુ છે. આ પાત્ર મહિલાઓને ફિલ્મોમાં સશક્ત રીતે રજૂ કરવાનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.

દાસદેવઃ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયના ઉપન્યાસ દેવદાસ પર આધારિત આ પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઉત્તરપ્રદેશના બેકગ્રાઉન્ડ પર આધારિત હતી. આ ફિલ્મ ક્લાસિક દેવદાસ કરતાં એકદમ અલગ હતી. તેને આધુનિકતાનો ટચ આપવામાં આવ્યો હતો.

ફિલ્મમાં દેવદાસ અને પારોના સંબંધને આધુનિક યુગની ચંદ્રમુખી એટલે કે ચાંદનીની નજરથી દર્શાવાયાં છે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢાએ પારોનું પાત્ર ભજવ્યું છે, જે એક રાજકીય હસ્તી છે. તે એક સામાન્ય છોકરીમાંથી મહત્ત્વાકાંક્ષી મહિલાના રૂપમાં પરિવર્તિત થાય છે. તેનું અફેર દેવના સ્થાને રાજનીતિ સાથે છે, કેમ કે દેવ પણ એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવે છે. આ ફિલ્મમાં રજૂ કરાયેલાં મહિલાનાં પાત્ર ખૂબ જ પ્રભાવશાળી છે.

હેપ્પી ફિર ભાગ જાયેગીઃ ૨૦૧૬માં આવેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ની સિક્વલમાં આ વખતે ડાયના પેન્ટીની સાથે સોનાક્ષી સિંહા પણ છે. ફિલ્મની સાથે પંજાબી ગાયક જસ્સી ગિલ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, જ્યારે ‘હેપ્પી ભાગ જાયેગી’ રિલીઝ થઇ ત્યારે તે ફિલ્મ પાસે ઓછી અપેક્ષા હતી, પરંતુ ફિલ્મ આગળ જઇને એક સ્લીપર હિટ સાબિત થઇ હતી, તેના કારણે તેની સિક્વલ પાસે બેવડી અપેક્ષાઓ છે, તેમાં સોનાક્ષી જેવા મોટા સ્ટારને જોડાવું ફિલ્મને વધુ આગળ લઇ જશે. આ ફિલ્મ નાનાં શહેરોની એવી છોકરીઓ અંગે છે, જેમના વિચારો અલગ છે અને બિલકુલ હટકે સેન્સ ઓફ હ્યુમર છે.

કેટલીક અન્ય મહત્ત્વની ફિલ્મોઃ ‘મોમ’ (૨૦૧૭), ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ (૨૦૧૭), ‘તુમ્હારી સુલુ’ (૨૦૧૭), ‘નીરજા’ (૨૦૧૬), ‘એનએચ-૧૦’ (૨૦૧૫), ‘હાઇવે’ (૨૦૧૪), ‘કહાની’ (૨૦૧૨), ‘તનુ વેડ્સ મનુ સિરીઝ’ (૨૦૧૧-૧૫), ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ (૨૦૧૨), ‘ક્વીન’ (૨૦૧૪), ‘પિકુ’ (૨૦૧૫), ‘ધ ડર્ટી પિક્ચર’ (૨૦૧૧). •

You might also like