સરકારે મંત્રીઓની જ જિલ્લા પ્રભારી તરીકે કરી નિમણૂંક, RC ફળદુ અમદાવાદના પ્રભારી

રાજ્ય સરકારે વહીવટી તંત્ર પર દેખરેખ રાખવા માટે અને વહીવટી વ્યવસ્થા સુચારુ રીતે કાર્યાન્વિત રહે તે જોવા માટે મંત્રીઓની જિલ્લા પ્રભારી તરીકે નિમણુંક કરી છે. જે અંતર્ગત 19 મંત્રીઓની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ પ્રભારીઓમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સામેલ છે. નીતિન પટેલને વડોદરા અને ખેડા જિલ્લાના પ્રભારી બનાવાયા છે તો આર.સી ફળદુને અમદાવાદ અને અમરેલી જિલ્લા સોંપાયા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રાજકોટ અને ભાવનગર જિલ્લા માટે પસંદગી કરાઈ છે.

અન્ય મંત્રીઓની વાત કરવામાં આવે તો કૌશિક પટેલને સુરત અને તાપી જિલ્લાના દેખરેખ માટે પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ જામનગર અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર પર દેખરેખ રાખશે.

ઉપરાંત ગણપત વસાવાને આદિવાસી જિલ્લા દાહોદ અને નવસારીના પ્રભારી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયાને જૂનાગઢ અને ગીર સોમનાથના પ્રભારી બનાવાયા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પર ઈશ્વર પરમાર દેખરેખ રાખશે. મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ભરૂચ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી બનાવાયા છે.

You might also like