હવે GST વાર્ષિક રિટર્ન ભરી શકાશેઃ ઓનલાઈન ફેસિલિટી એક્ટિવેટ

(એજન્સી)નવી દિલ્હી: સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવા માટે ઓનલાઈન ફેસિલિટી એક્ટિવેટ કરી દીધી છે. આ માટે ફોર્મ જીએસટીઆર-૯ ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે, જેની ટ્રેડ- ઈન્ડસ્ટ્રીને લાંબા સમયથી પ્રતીક્ષા હતી.

જીએસટી લાગુ થયા બાદ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે ભરવામાં આવતું આ સૌથી આવશ્યક અને જરૂરી ફોર્મ છે. તેને ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ હતી, પરંતુ અંતિમ તારીખ સુધી આ ફેસિલિટી ઓનલાઈન નહીં થવાના કારણે તેની તારીખ છ મહિના લંબાવવી પડી હતી.

જીએસટીએનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોર્મ જીએસટીઆર-૯ હવે એક્ટિવેટ થઈ ગયું છે અને આ કોમન પોર્ટલ પર ફાઈલિંગ માટે ઉપલબ્ધ છે. તેના દ્વારા જુલાઈ ૨૦૧૭થી ૩૧ માર્ચ ૨૦૧૮ની વિગતો ભરી શકાય છે.

જીએસટીઆર-૯, જીએસટીઆર-૯એ અને ઓડિટ ફોર્મ જીએસટીઆર-૯સી ભરવાની છેલ્લી તારીખ ૩૦ જુન ૨૦૧૯ છે, પરંતુ આ ફોર્મ એજ કરદાતાઓ ભરી શકશે જેમણે આ સમયગાળા માટે તમામ મહિનાઓ અથવા ક્વાર્ટરના જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બી ભરી દીધા હોય.

એન્યુઅલ રિટર્ન હેઠળ ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીની ઈનપુટ ટેક્સ ક્રેડિટના એસેસમેન્ટ સંબંધિત મહિનાઓના ભરેલા જીએસટીઆર-૧ અને ઓટોપોપ્યુલેટેડ જીએસટીઆર-૨એના આધારે ભરવામાં આવશે. જે લોકોએ ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ સુધી સંબંધિત મહિનાનું જીએસટીઆર-૧ ભરી દીધું છે, તેમનું જીએસટીઆર-૨એ અપડેશન ૧ માર્ચ ૨૦૧૯ સુધી થઈ ગયું છે.

જો કોઈ સપ્લાયરને તેની ક્રેડિટ મિસિંગ દેખાય તો તેમને આગલા અપડેશન સુધી રાહ જોવી પડશે. માહિતગાર લોકોનું કહેવું છે કે એન્યુઅલ રિટર્ન રિવાઈઝ્ડ કરી શકાતું નથી, એવામાં મોટા ભાગના ડિલરે છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડશે.

જોકે અત્યારે ઓનલાઈન ફેસિલિટી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સરકાર કરદાતાની સુવિધા માટે જીએસટીઆર-૯નું એક ઓફ લાઈન ટુલ પણ શરૂ કરશે, જેને ઓફલાઈન ભરીને પાછળથી ઓનલાઈન કરી શકાય છે. એન્યુઅલ રિટર્ન તમામ વેપારીઓને ભરવાનું છે પછી તેમનું ટર્નઓવર કેટલુંય પણ હોય, જે ટ્રેડર્સનું ટર્ન ઓવર રૂ. બે કરોડથી વધુ છે તેમને પોતાના બિઝનેસનું સીએ ઓડિટ કરાવીને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવો પડશે જે જીએસટીઆર-૯સીનાં સ્વરૂપમાં આવશે.

You might also like