ગુડ ન્યૂઝઃ હવે પીગળવાના ડરથી અાઈસક્રીમ ફટાફટ ખાવો નહીં પડે

ટોકિયો: અાઈસક્રીમનું નામ સાંભળતાં જ લગભગ દરેક વ્યક્તિનાં મોમાં પાણી અાવી જાય છે. પરંતુ અાઈસક્રીમ સાથે હંમેશાં એક સમસ્યા રહી છે. પીગળવાના ડરથી વ્યક્તિઅે અાઈસક્રીમ ઝડપથી ખાવો પડે છે. હવે તમે અાઈસક્રીમને અારામથી ખાવાની મજા માણી શકશો. જાપાનના વિજ્ઞાનીઅે અાઈસક્રીમ સંપૂર્ણ ખાતાં પહેલાં પીગળતો રોકવા માટે એક હલ શોધ્યો છે. કન્ટેનરમાંથી અાઈસક્રીમ બહાર કાઢીને તેને કોઈ બાઉલ કે કોનમાં રાખ્યા બાદ તરત જ પીગળવા લાગે છે તેથી દરેક વ્યક્તિ અાઈસક્રીમ ફટાફટ ખાઈ લેતી હોય છે.

જાપાનની એક યુનિવર્સિટીના સંશોધકોઅે અાઈસક્રીમના મેલ્ટિંગ પોઈન્ટને વધારીને તેનો અાકાર જાળવી રાખવાની રીત શોધી લીધી છે. મેલ્ટિંગ પોઈન્ટ અે તાપમાન પર હોય છે જેની પર કોઈ ઠોસ પ્રદાર્થ દ્રવ્યમાં પીગળવા લાગે છે. અાઈસક્રીમ પીગળ્યા વગર રૂમના ટેમ્પરેચરમાં ત્રણ કલાક સુધી રાખી શકાય છે. સંશોધકોઅે અાઈસક્રીમનો ટેસ્ટ કરવા માટે પાંચ મિનિટ સુધી તેની પર હેર ડ્રાયર ચલાવ્યું અને અાઈસક્રીમ પોતાના જ અાકારમાં રહ્યો.

વિજ્ઞાનીઓએ સ્ટ્રોબરીમાંથી નીકળતા પોલિફિનોલ દ્રવ્ય સાથે મેળવીને અા અાઈસક્રીમ બનાવ્યો. પોલિફિનોલ દ્રવ્યમાં અેવા ગુણ હોય છે જેનાથી પાણી અને તેલને અલગ કરવાનું મુશ્કેલ હોય છે. સંશોધન કરનાર પ્રોફેસર તોમીહિસા અોતાઅે જણાવ્યું કે અા દ્રવ્યવાળો અાઈસક્રીમ લાંબા સમય સુધી પોતાના મૂળ અાકારમાં રહેશે અને ઝડપથી નહીં પીગળે. અા અનોખો અાઈસક્રીમ હાલમાં ચોકલેટ, વેનિલા અને સ્ટ્રોબરી ફ્લેવરમાં ઉપલબ્ધ છે.

You might also like