હવે બધાંની નજર મેલબોર્નની ‘ડ્રોપ ઇન પીચ’ પર

મેલબોર્નઃ પર્થની ‘ડ્રોપ ઇન’ પીચ પર પાંચ દિવસ સુધી ચાલેલી ઊછળકૂદે ચાર મેચની શ્રેણીને ૧-૧થી બરોબર લાવી દીધી અને હવે બધાની નજર ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ પર છે. ભારતે એડિલેડમાં પહેલી ટેસ્ટ મેચ ૩૧ રનથી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટ ૧૪૬ રનથી જીતી લીધી. શ્રેણીનો નિર્ણય અંતિમ બે મેચનાં પરિણામ નક્કી કરશે, પરંતુ ગત વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)ની પીચે જે રીતનો વ્યવહાર કર્યો હતો તેનાથી બંને ટીમ ટેન્શનમાં છે. એમસીજી ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટમાં પણ ડ્રોપ ઇન પીચનો જ ઉપયોગ થવાનો છે.

આઇસીસી પાછલાં કેટલાંક વર્ષથી ટેસ્ટ ક્રિકેટનો ક્રેઝ જાળવી રાખવા માટે પરિણામ આપતી પીચોને મહત્ત્વ આપી રહી છે, પરંતુ ગત વર્ષે એશીઝ શ્રેણી દરમિયાન એમસીજીમાં જે બન્યું હતું તેનાથી બોક્સિંગ ડે ટેસ્ટ બોરિંગ સાબિત થઈ હતી. પાંચ દિવસ ચાલેલી મેચ ડ્રો જાહેર કરવી પડી હતી. ત્યાર બાદ આઇસીસીએ પીચને ‘ખરાબ’ જાહેર દીધી હતી. દર વર્ષની જેમ ક્રિસમસ પછીના દિવસે શરૂ થનારા આ મુકાબલા માટેની પીચને લઈને બધા ચિંતિત છે.

એમસીજીના ક્યૂરેટર મેટ પેજે ગત સિઝનમાં એશીઝ શ્રેણીનાે મુકાબલાે પૂરો થયા બાદ ચાર્જ સંભાળ્યો હતો અને આ સિઝનમાં તેમની દેખરેખમાં તૈયાર થયેલી પીચ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ વર્ષે અહીં રમાયેલી શેફિલ્ડ શીલ્ડની ત્રણ મેચ ડ્રોમાં પરિણમી હતી, જ્યારે વિક્ટોરિયા-ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચેની મેચમાં પરિણામ આવ્યું હતું.

આઇસીસીએ કહ્યું હતુંઃ ગત વર્ષે એશીઝ દરમિયાન અહીં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ બાદ આઇસીસીના મેચ રેફરી રંજન મુદગલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે એમસીજીની પીચમાં ઉછાળ મધ્યમ હતો, પરંતુ પીચ ઘણી ધીમી થતી ગઈ. પાંચ દિવસમાં પીચમાં કોઈ ફેરફાર થયો નહીં અને અહીં બેટ તેમજ બોલમાં કોઈ સ્પર્ધા નજરે પડી નહીં.

પીચ ના તો બેટ્સમેનોને પસંદ પડી કે ના તો બોલર્સ વિકેટ ઝડપી શક્યા. મેચ રેફરીનો આ રિપોર્ટ જોવામાં આવે તો ગત વર્ષે ઉનાળામાં અહીં રમાયેલી પ્રથમ શ્રેણીની કોઈ પણ મેચમાં પરિણામ આવી શક્યું નહોતું, પરંતુ આ વર્ષે અહીં ઉનાળામાં પ્રથમ શ્રેણીના મુકાબલામાં ઘરેલુ ટીમ વિક્ટોરિયાએ ન્યૂ સાઉથ વેલ્સને ૧૦૭ રનથી પરાજય આપ્યો હતો, જેના કારણે પીચને લઈને થોડી રાહત મળી હતી ખરી, પરંતુ પછીની બે મેચ બોરિંગ રીતે ડ્રોમાં પરિણમી. વિક્ટોરિયાએ ત્યાર બાદ સાઉથર્ન અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે ડ્રો મેચ રમી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે કહ્યું કે અહીં ડ્રો ગયેલી છેલ્લી બંને મેચ દરમિયાન પીચમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ગત વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ બાદથી એમસીજી નિશાન પર છે.

ઘાસનો સહારોઃ
ક્યૂરેટર મેટ પેજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ૧૪ મિ.મી.નું ઘાસ છોડે તેવી શક્યતા છે, જે શીલ્ડ મેચની સરખામણીએ ચાર મિ.મી. વધુ હશે. આનાથી બોલર્સને થોડી મદદ મળવાની શક્યતા વધી જશે. ગત વર્ષે અહીં બોક્સિંગ ડે ટેસ્ટમાં નહીં રમી શકેલા મિચેલ સ્ટાર્કે કહ્યું કે, ”હું ગત વર્ષે અેશીઝ શ્રેણી નહોતો રમ્યો.

આશા રાખું છું કે અહીંના લોકોએ જૂની સમસ્યા હલ કરી નાખી હશે. મેં સાંભળ્યું છે કે તેમણે શીલ્ડ મેચ દરમિયાન કેટલીક કોશિશો કરી છે. તેઓ અમને બોક્સિંગ ડે ટેસ્ટ માટે જે પીરસશે તે બધાને આશ્ચર્યચકિત કરી દેનારું હશે. અમે આ અંગે સમીક્ષા કરીશું અને જે પર્થમાં કર્યું તેનો આનંદ ઉઠાવીશું.

You might also like