ઇ-મેમો માટે હવે પોલિસસ્ટેશન નહીં જવું પડે, ભરી શકાશે ઓનલાઇન

અમદાવાદ: ટ્રાફિક પોલીસે ઘરે મોકલી આપેલો ઈમેમો ભરવા માટે હવે અમદાવાદીઓએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. કારણકે શહેરની ટ્રાફિક પોલીસે ઈમેમોને ઓનલાઈન ભરી શકાય તેવી વ્યવસ્થા શરુ કરી દીધી છે. તેથી નિયમ ભંગ બદલના જેટલા પણ પેન્ડિંગ ઈમેમો હોય તે તમામ હવે ઓનલાઈન ભરી શકાશે. જે માટે ટ્રાફિક પોલીસે https://payahmedabadechallan.org વેબસાઇટ શરૂ કરી છે. જેના પરથી નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ ઈવોલેટથી ઈમેમોની રકમ ભરી શકાશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસે છેલ્લા ઘણા સમયથી શહેરના તમામ મહત્વના ટ્રાફિક જંક્શનો પર કેમેરા ઈન્સ્ટોલ કરીને ટ્રાફિક પર વોચ રાખવાનું શરુ કર્યું છે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને તેમની તસવીર સાથેના ઈમેમો ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો તોડવા બદલ રોજનો ત્રણથી ચાર લાખ રુપિયા દંડ ભરે છે. જોકે, હવેથી ઈમેમો મેળવનારા લોકો ઓનલાઈન જ દંડની રકમ ભરી શકશે.

ટ્રાફિક પોલીસે શરુ કરેલી આ વેબસાઈટ સેફ છે, અને તેના પર વિવિધ પેમેન્ટ મેથડથી દંડ ભરી શકાય છે. જો કોઈને એકથી વધારે ઈમેમો મળ્યા હશે તો તે મલ્ટિપલ સિલેક્શન કરીને દંડની રકમ એક સાથે ભરી શકે છે. ઓનલાઈન દંડ ભરતી વખતે યુઝરે પોતાના લાઈસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી આપવાના રહેશે. દંડ ભર્યા બાદ તેની પહોંચ પણ ઓનલાઈન જ મળી જશે, જેને ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ પણ લઈ શકાશે.

http://sambhaavnews.com/

You might also like