હવે કોંગ્રેસના ધારાસભ્યો-પાટીદાર સંસ્થાઓ હાર્દિકને પારણાં કરવા મનાવશે

અમદાવાદ: છેલ્લા ૧૮ દિવસથી ઉપવાસ પર ઊતરેલા હાર્દિક પટેલને અનેક નેતાઓ, ધર્મગુરુઓ, સંતો અને પાટીદાર સમાજના વડીલો દ્વારા પારણાં કરવા માટે સમજાવવા છતાં તેણે ઉપવાસ ચાલુ રાખ્યા છે, જેથી હવે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અને પાટીદાર સમાજની સંસ્થાઓ હાર્દિકને પારણાં કરાવવા માટે ફરી સક્રિય બની છે.

આજે બપોરે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, આશા પટેલ, કિરીટ પટેલ, મહેશ પટેલ સહિતના ધારાસભ્યો હાર્દિક પટેલની મુલાકાત લઇ તેને પારણાં કરવા સમજાવશે.

સરકાર સામે લડવા માટે શરીર અને સ્વાસ્થ્ય સારાં હોય તો લડી શકાય તે રીતે સમજાવવા માટે હવે ધારાસભ્યો સક્રિય થયા છે. હાર્દિક પટેલના ઉપવાસ પૂર્ણ કરાવવા માટે પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવાયા છે, ધારાસભ્યોની સાથે-સાથે હવે પાટીદાર સંસ્થાઓ પણ હાર્દિકને સમજાવશે.

આજે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત અને છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અ‌િજત જોગીના પુત્ર અને ધારાસભ્ય અમિત જોગી હાર્દિક પટેલની મુલાકાત લેશે. ઉપરાંત ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ હાર્દિકની મુલાકાત લેનાર છે.

You might also like