હવે BSNL ગ્રાહકોને માત્ર ઈ-બિલ જ મોકલશેઃ ટ્રાઈની મંજૂરી માગી

નવી દિલ્હી: ટેલિકોમ કંપની બીએસએનએલ હવે પોતાના ગ્રાહકોને માત્ર ઇ-બિલ મોકલવાની સક્રિય વિચારણા કરી રહી છે. બીએસએનએલના ગ્રાહકોને હવે બિલની હાર્ડ કોપી નહીં, પરંતુ ગ્રાહકોના ઇ-મેઇલ પર ઇ-બિલ મોકલવામાં આવશે. આ માટે બીએસએનએલએ ટેલિકોમ નિયામક ટ્રાઇની મંજૂરી માગી છે.

બીએસએનએલનું કહેવું છે કે જ્યાં સુધી તેના કોઇ પણ ગ્રાહક પ્રિન્ટેડ બિલની સ્પેશિયલ ડિમાન્ડ નહીં કરે ત્યાં સુધી તમામ ગ્રાહકોને બીએસએનએલનાં ઇ-બિલ જ મોકલવામાં આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) આ અંગે એક કન્સલ્ટેશન પેપર બેે મહિનાની અંદર જારી કરશે, તેમાં સંબંધિત સ્ટેક હોલ્ડર્સને માત્ર ઇ-બિલની જોગવાઇ પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવશે.

એક અધિકારીઅે જણાવ્યું હતું કે અમને કેટલીક અરજીઓ મળી છે તો એક દોઢ મહિનામાં આ અંગે ચર્ચા કરીશું. અમે એ જાણવા માગીએ છીએ કે વર્તમાન સિસ્ટમ જારી રાખવી કે તેમાં કોઇ ફેરફાર કરવાની જરૂર છે જ્યારે બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે બીએસએનએલ ઉપરાંત એક બીજી મુખ્ય કંપનીએ પણ પોતાના ગ્રાહકોને ઇ-બિલ મોકલવાનો આગ્રહ કર્યો છે.

બીએસએનએલ ઇચ્છે છે કે તેને પોતાના ગ્રાહકોને સામાન્ય પ્રક્રિયામાં ઇ-બિલ તેમના મોબાઇલ નંબર કે ઇ-મેઇલ એડ્રેસ પર મોકલવાની મંજૂરી આપવામાં આવે, જોકે કોઇ ગ્રાહક ઇચ્છે તો પ્રિન્ટેડ બિલનો પણ વિકલ્પ પસંદ કરી શકે છે.

You might also like