ભાજપ હવે ૧૫ દિવસમાં નવા મેયર, ડેપ્યૂટી મેયરની ચૂંટણી કરશે

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં સતત ત્રીજીવાર સત્તાના સૂત્રો ભાજપના હાથમાં આવતાં આગામી ૧૦ થી ૧૫ દિવસમાં મ્યુનિ. બોર્ડની બેઠક બોલાવીને નવા મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવશે. મ્યુનિ. ચૂંટણીમાં ૧૯૨ બેઠકમાંથી ભાજપને ૧૪૨, કોંગ્રેસને ૪૯ અને અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા છે. આ વર્ષે સામાન્ય વર્ગમાંથી મેયરની પસંદગી થશે.

ચૂંટણીપંચ વિજેતા ઉમેદવારોના નામ સાથે ગેઝેટ બહાર પાડશે. ચૂંટણી પંચની આ કાર્યવાહી પૂરી થયા બાદ મ્યુનિ. કમિશનર દ્વારા નવા મેયર, ડેપ્યૂટી મેયરની વરણી માટે મ્યુનિ. બોર્ડની બેઠક બોલાવવા માટે સેક્રેટરીને સૂચના અપાશે. મ્યુનિ. કમિશનરની સૂચના મુજબ સેક્રેટરી ઓફિસ બોર્ડની તારીખ જાહેર કરશે અને તેની જાણ ચૂંટાયેલા કોર્પોરેટરોને કરાશે.

ભાજપ દ્વારા પોતાના નવા મેયર, ડેપ્યૂટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એ.એમ.ટી.એસ.ના ચેરમેન, પક્ષના નેતા વિગેરે હોદ્દેદારોના નામો નક્કી કરવા બેઠક યોજશે.દરમ્યાનમાં ભાજપનું મોવડી મંડળ મ્યુનિ. બોર્ડથી બેઠક અગાઉ એજન્ડા મિટિંગમાં કોર્પોરેટરોને કોને મત આપવો તેને મેન્ડેડ આપશે. ત્યારબાદ ભાજપના બહુમતી સભ્યો મેયર, ડેપ્યૂટી મેયરને ચૂંટી કાઢશે. આ ચૂંટણી હાલના મેયર મીનાક્ષીબેન પટેલના અધ્યક્ષસ્થાને થશે. જેમાં નવા મેયર, ડેપ્યૂટી મેયર ચૂંટાશે. વિપક્ષ કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા રાખશે.

You might also like