શિક્ષણના વર્ગ-૩ના કર્મચારીઓ માટે પણ હવે એપ્રાઇઝલ ફરજિયાત

અમદાવાદ: શિક્ષણ વિભાગના કર્મચારી વર્ગ ૩ના કર્મચારીઓ માટે હવે ફરજિયાતપણે ૧૧ પાનાનો અહેવાલ એટલે કે સ્વમૂલ્યાંકન રિપોર્ટ મોકલવો ફરજિયાત કરાયો છે. જેને આધારે જ હવે પછી પ્રમોશન સહિતની તમામ બાબતો નક્કી કરાશે.

અત્યાર સુધી શિક્ષણના વર્ગ ૩ના કર્મચારીઓ એપ્રાઇઝલ રિપોર્ટ ભરવામાંથી બાકાત હતા. હવે વર્ષ ર૦૧૬-૧૭ આ નિયમ ફરજિયાતપણે અમલી બનાવાયો છે. તે અનુસાર ઉચ્ચ શિક્ષણ વિભાગે જાહેર કરેલા નવા પરિપત્રને તાત્કાલિક અમલ મુજબ આ વિભાગમાં વર્ગ ૩માં ફરજ બજાવતા તમામ કર્મીઓ માટે હવે રેવન્યુ તંત્રની જેમ સ્વમૂલ્યાંકન સાથે અહેવાલ આપવો પડશે તેના પર મહેકમ અને અધિકારીઓ રિપોર્ટ આપશે.

ખાનગી અહેવાલના સ્થાને રેવન્યુ કર્મચારીના જે રીતે એપ્રાઇઝલ રિપોર્ટ તૈયાર થાય છે તે જ રીતે શિક્ષણના વર્ગ ૩ના કર્મચારીના રિપોર્ટ તૈયાર થશે તેના આધારે જ કર્મચારીના ઇજાફા સહિતના અન્ય નિર્ણયો લેવામાં આવશે.

આ માટે એન્યુઅલ પર્ફોર્મન્સ એપ્રાઇઝલ રિપોર્ટના નામે કુલ ૧૧ પેજનું મૂલ્યાંકન ફોર્મ બનાવવામાં આવ્યું છે. આ નિયત ફોર્મમાં રપ ગુણ કર્મચારી પોતાનાં અંગેની જે વિગતો આપે તે મુજબ નિયત કામની પૂર્ણતા, ગુણવત્તા, પેન્ડિંગ કામનો નિકાલ, કોમ્યુનિકેશન સ્કીલ વગેરેના ગણાશે. જ્યારે વ્યકિતગત પ૦ ગુણનું મૂલ્યાંકન રજૂ કરવાનું રહેશે. અત્યાર સુધી ખાનગી અહેવાલ મોકલવામાં આવતા હતા. હવે સમાન પદ્ધતિથી અહેવાલ મોકલવા પડશે.

You might also like