પાસપોર્ટ મેળવવો થયો સરળ, દેશમાં કોઇપણ જગ્યાએથી કરી શકશો અરજી…

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે દેશમાં કોઇપણ જગ્યાએથી પાસપોર્ટ માટે અરજી કરી શકાય તેવી સુવિધા માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે. છઠ્ઠા પાસપોર્ટ સેવા દિવસના અવસર પર સુષમા સ્વરાજે ‘એમપાસપોર્ટ સેવા એપ’ને લોન્ચ કરી.

આ એપ દ્વારા પાસપોર્ટ માટે અરજી, ચુકવણી અને પાસપોર્ટ મળવાનો સમય નક્કી કરવાની સુવિધા આપશે. પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં મેરેજ સર્ટિફિકેટ સહિત બિન આવશ્યક દસ્તાવેજોની જરૂરિયાત પુરી કરી દેવામાં આવી છે.

નવી યોજના હેઠળ અરજી ફોર્મ જમા કરવા માટે ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય, પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રમાંથી કોઇપણ જગ્યાની પસંદગી કરી શકશો. વિદેશ મંત્રાલય અનુસાર જરૂરિયાત પડવા પર અરજી ફોર્મમાં આપેલી જગ્યા પર પોલીસ વેરિફિકેશન પણ થઇ જશે. આ જગ્યા પર અરજીમાં નક્કી કરવામાં આવેલા સમય મુજબ ક્ષેત્રીય કાર્યાલય પાસપોર્ટ મોકલશે.

સુષમા સ્વરાજે જણાવ્યું કે પાસપોર્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. દેશભરમાં 48 વર્ષમાં 77 પાસપોર્ટ સેવા કેન્દ્ર બનાવામાં આવ્યા, જ્યારે ગત 48 મહિનામાં 231 નવા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા. સુષમા સ્વરાજે કહ્યું કે આગામી સમયમાં દેશમાં દરેક 543 સંસદીય ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે.

You might also like