ધોરણ 3થી 8ના સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે હવે એક સમાન પ્રશ્નપત્ર

અમદાવાદ: અમદાવાદ શહેરની ૧૫૦૦થી વધુ અને રાજ્યભરની ૧૫,૦૦૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાના અંદાજે કુલ ૬૦ લાખથી વધુ ધો. ૩થી ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે એક સમાન પરીક્ષા આપશે.

પરીક્ષાના સમયે તમામ વિદ્યાર્થીઓને રાજ્યભરમાં એક સરખું પ્રશ્નપત્ર આપવામાં આવશે. જે જીસીઈઆરટી (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા તૈયાર કરાયાં હશે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અનેક ફેરફારો થઈ રહ્યા છે. જેનાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

તેથી ધો.૩થી ધો.૮ના અભ્યાસક્રમના તમામ વિષયોના ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી એક સમાન રીતે તૈયાર થશે. જે જિલ્લા પંચાયત સમિતિ મારફતે ડિસ્ટ્રિબ્યૂટ થશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર ધો.૩થી ધો.૮ના તમામ વિષયોની બ્લૂ પ્રિન્ટ જીસીઈઆરટી તૈયાર કરશે તેથી ધો.૩થી ધો.૮ના ગુજરાતી માધ્યમના તમામ વિષયોના પ્રશ્નપત્રો એક સરખા ડાયટ કરવામાં તૈયાર કરાશે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણય ચાલુ શૈક્ષણિક વર્ષથી અમલી થશે. જ્યારે અંગ્રેજી માધ્યમની અને રાજ્યની તમામ ખાનગી શાળાઓનાં પણ આ નિર્ણય આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધો. ૮ પછીનો અભ્યાસક્રમ એનસીઈઆરટી આધારિત શરૂ કરાયો છે. તેથી ધો. ૯થી નીચેના તમામ વિદ્યાર્થીઓનો એ પ્રમાણે પાયાના શિક્ષણથી તૈયાર કરાશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં અંદાજે ૧૫,૦૦૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે ખાનગી શાળાઓમાં ધો. ૩થી ધો. ૮માં ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ પૂરતો આ વર્ષ માટે આ નિર્ણય ગુજરાતી માધ્યમ અને સરકારી પ્રાથમિક શાળાઓ પૂરતો મર્યાદિત
રખાયો છે.

ધો. ૫થી ધો.૮ સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં જવાબ લખવા માટે બોલપેન વાપરવા જણાવ્યું છે. પરીક્ષાઓ દરમિયાન ધો.૧ અને ધો.૨નું શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.

ધો. ૬થી ધો.૮માં ભાષામાં ગુજરાતી અંગ્રેજી હિન્દી અને સંસ્કૃતનો સમાવેશ થાય છે. તેમાં ૧૦ માર્કના એમસીક્યુ હશે જ્યારે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ગણિતમાં ૧૬ માર્કના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે જેના જવાબ અલગથી ઓએનઆર શીટમાં આપવાના રહેશે.

You might also like