ડેશ બોર્ડઃ તમામ કામગીરી પર હવે મુખ્યપ્રધાનની સીધી નજર

અમદાવાદ: આજથી રાજ્યભરના તમામ ર૬ વિભાગ ઉપર મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના નિવાસસ્થાનથી સીધી દેખરેખ રાખશે. મુખ્યપ્રધાનના નિવાસસ્થાનથી ડેશ બોર્ડ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ વોચ ‌સિસ્ટમ કાર્યરત થઇ છે. આ સિસ્ટમ થકી મુખ્યપ્રધાન પોતાના ડેશ બોર્ડથી રાજ્યભરમાં ચાલતાં કાર્ય પર સીધી નજર રાખશે. સરકારના બધા વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કંટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઇના અંત સુધીમાં જોડાઇ જશે તેવું મુખ્યપ્રધાન જાહેર કર્યું હતું.

તાજેતરમાં જ ભાજપની ચિંતન શિબિર વડોદરા ખાતે સંપન્ન થઇ છે. આ શિબિરમાં તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. આજથી ડેશ બોર્ડ કાર્યરત થતાં હવે એ ર૬ વિભાગ ઉપર ત્રીજી આંખ સમાન બની રહેશે. આ અંગે મુખ્યપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી

તેમણે કહ્યું હતું કે તેઓ ડેશ બોર્ડ દ્વારા રાજ્યના તમામ વિભાગમાં ચાલી રહેલી કામગીરી ઉપર સીધી નજર રાખશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં વહીવટીતંત્રમાં બિનજરૂરી રાજકીય દખલગીરી ઓછી છે.ડેેશ બોર્ડ દ્વારા જ મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને હવે જિલ્લા કલેેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત કોન્ફરન્સ થઇ શકશે.

મુખ્યપ્રધાને કહ્યું હતું કે અજાણતા થયેલી ભૂલ કે ક્ષતિ માફ કરાશે, પરંતુ ઇરાદાપૂર્વકની ક્ષતિને બક્ષવામાં નહીં આવે. સારી વ્યકિત, ગરીબ- વંચિત-પીડિતને પોતાના કામ માટે કયાંય પાઇ પણ ન આપવી પડે તેવી પારદર્શક-સ્વચ્છ વહીવટી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.

ડેશબોર્ડ શરૂ થતાંની સાથે જ ભ્રષ્ટાચારી રીતરસમ સામે આવી જશે. એક ક્લિકથી જ મુખ્યપ્રધાન સરકારના તમામ વિભાગની કામગીરી પર સીધી નજર રાખી શકશે. પબ્લિક ડીલિંગ પર પણ સીધી નજર ડેશ બોર્ડ દ્વારા થશે.

You might also like