ફિક્સિંગનો ખુલાસો કરનારા નોવાક જોકોવિચ સામે જ ફિક્સિંગના આક્ષેપ

મેલબોર્નઃ ટેનિસમાં મેચ ફિક્સિંગને લઈને થયેલા સનસનાટીભર્યા ખુલાસા બાદ સટોડિયાઓ દ્વારા સંપર્ક કરાયાની વાત સ્વીકારનારા ટોચના ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ પર જ હવે મેચ ફિક્સિંગના આક્ષેપ થઈ રહ્યા છે.

ઇટાલીના એક અખબારે કહ્યું છે કે નવ વર્ષ પહેલાં ૨૦૦૭માં પેરિસ માસ્ટર્સ ટૂર્નામેન્ટ દરમિયાન પોતાનાથી નીચલા ક્રમાંકિત લગભગ ૧૯ વર્ષીય ખેલાડી વિરુદ્ધ તે જાણી જોઈને મેચ હારી ગયો હતો. એ સમયે જોકોવિચ વિશ્વમાં ત્રીજા ક્રમાંકે બિરાજમાન હતો, જ્યારે એ મેચમાં ૬-૩, ૬-૨થી જીત હાંસલ કરનારો ફ્રાંસનો ખેલાડી ફૈબરિક સાંતોરો એ સમયે રેન્કિંગમાં ૩૬મા નંબરે હતો.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ત્રીજો રાઉન્ડ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે જોકોવિચને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આ આક્ષેપને બકવાસ ગણાવીને નકારી કાઢ્યો હતો. સાંતોરોએ પણ આ આક્ષેપોનું ખંડન કર્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત પહેલાં બીબીસી અને બજફીડ (ન્યૂઝ વેબસાઇટ)એ દાવો કર્યો હતો કે પાછલા એક દાયકામાં ટોચના ૫૦માંથી ૧૬ ખેલાડી સટોડિયાની ગેંગ માટે મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા છે, જેમાં ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન પણ સામેલ છે.

આ સાચું નથી. આવું શા માટે કહેવામાં આવી રહ્યું છે તે હું જાણતો નથી. હું એ પણ નથી જાણતો કે તમે એ મેચને લઈને કોઈ કહાણી સર્જવા ઇચ્છો છો? આ કોઈ પણ ટૂર્નામેન્ટની શરૂઆતના તબક્કામાં ટોચના ખેલાડીની નીચલા ક્રમાંકિત ખેલાડી સામે હારવા જેવી સામાન્ય વાત છે. મારા ખ્યાલ પ્રમાણે આ બધો બકવાસ છે. મારી નજરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મેચ માટે કોઈ પણ કહાણી બનાવી શકે છે. પાછલા એક દાયકામાં શરૂઆતના રાઉન્ડમાં ટોચના ખેલાડીઓના પરાજયના મામલા બહુ ઓછા છે. તમે એમાંથી કોઈ પણ એક મેચને લઈને કોઈ પણ કહાણી લખી શકો છો. : નોવાક જોકોવિચ

હું ક્યારેય પણ વિશ્વના ટોચના ખેલાડીઓમાં સામેલ નથી રહ્યો, પરંતુ મેં મારી કરિયરમાં ટોચના ૨૩માંથી ૧૯ ખેલાડીને હરાવ્યા છે. જોકોવિચને હરાવ્યાના એક સપ્તાહ પહેલાં મેં અમેરિકન સ્ટાર એન્ડી રોડ્રિકને પણ હરાવ્યો હતો. રોડ્રિક એ સમયે વિશ્વનો પાંચમા નંબરનો ખેલાડી હતો. : ફેબરિક સાન્ટોરો

કોઈ પણ રમતમાં આ મોટી સમસ્યા છે, કારણ કે આ રમત માટે બહારનું જોખમ બની ગયું છે. દરેક રમતને આ દૂષણથી બચાવવા માટે સચોટ ઉપાય કરવા જોઈએ. હું ૨૧ વર્ષ સુધી પ્રોફેશનલ ટેનિસ રમ્યો છું અને મારું ફોકસ દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી બનવા પર રહ્યું હતું. ફિક્સિંગ સામે મારો ક્યારેય સામનો થયો નથી. હું નથી જાણતો કે સટોડિયાઓ મારો સંપર્ક કરી શક્યા નહીં કે પછી હું મારી જ દુનિયામાં હતો, પરંતુ મારો ક્યારેય આવા લોકો સામનો થયો નથી. : આન્દ્રે અાગાસી

You might also like