ફાયર સેફટીઃ વધુ આઠ કોમર્શિયલ હાઇરાઈઝ બિલ્ડિંગને નોટિસ

તાજેતરમાં પ્રહલાદનગર ખાતે આવેલા દેવઓરમ હાઇરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આગની દુર્ઘટનામાં ફાયર સેફટીનો અભાવ જણાઈ આવતાં શહેરના કોમર્શિયલ હાઇરાઈઝ બિલ્ડિંગની ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઇ છે. જેમાં જે તે બિલ્ડિંગમાં ફાયર સેેફટી સિસ્ટમમાં ખામી નજરે ચઢે તો તેને સુધારવા માટેના જરૂરી સૂચન ઉપરાંત જો ફાયર સેફટી બંધ હોય તો નોટિસ ફટકારાઇ રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા વધુ આઠ કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ ફટકારાઇ છે.

પ્રહલાદનગર રોડ ખાતેની હોટલ રમાડામાં ફાયર સેફટી કાર્યરત હતી, પરંતુ કેબલ ડક માટે મેટલ ડોર લગાવવા તેમજ સ્ટેર કેસમાં વેન્ટિલેશનની તાકીદ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કરાઇ હતી. જોકે આ તાકીદ મુજબ હોટલના સંચાલકોએ કાર્યવાહી કરતાં તંત્રે ‘ઓકે’ કર્યું હતું.

આની સાથે સાથે એસજી હાઇવે પરના કર્ણાવતી કલબ સામેના શપથ-પને ફાયર સેફટી બંધ હોવી તેમજ બેઝમેન્ટમાં પાર્કિંગ એરિયામાં સ્પ્રીંકલર સિસ્ટમ બેસાડવા માટે ગત તા.૧ર એપ્રિલે નોટિસ ફટકારાઇ હતી. જોકે ગઇ કાલે શપથ-પની ફાયર સેફટી ઓકે કરાઇ હતી. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પ્રહલાદનગર રોડ પરની હોટલ હોલીડે એકસપ્રેસના સંચાલકોને કેબલ ડક માટે મેટલ ડોર અને બેઝમેન્ટમાં સ્પ્રીંકલર બેસાડવાની તાકીદ કરાઇ હતી. જોકે આ બાબતે હજુ કોઇ કામગીરી કરાઇ નથી.

ફાયર બ્રિગેડ દ્વારા પ્રહલાદનગર રોડ પરની ઇન્દ્રપ્રસ્થ કોર્પોરેટ, શિવાલિક અબાઇઝ, અરિસ્ટા, કોમર્સ હાઉસ-૪ અને વિનસ એટલાન્ટાને બંધ ફાયર સેફટી અથવા તો ખામીયુકત ફાયર સેફટી માટે નોટિસ ફટકારાઇ છે. પ્રહલાદનગર ગાર્ડન પાસેના સફલ પ્રોફીટેર, ટાઇટેનિયમ અને ઇ-સ્કવેર પણ તંત્રની લપેટમાં આવી હોઇ આ ત્રણે બિલ્ડિંગને ગઇ કાલે નોટિસ ફટકારાઇ છે.

જ્યારે ઇસ્કોન બ્રિજ પાસેના મોન્ડિયલ હાઇટસના એ અને બી બ્લોકને અસ્વચ્છ ફાયર ડકટ તેમજ તમામ માળના સ્પ્રીંકલર બંધ હોઇ ફાયર બ્રિગેડ દ્વારા તાકીદ કરાઇ હતી. આ મામલે ગઇ કાલે તંત્ર દ્વારા ગઇ કાલે ‘ઓકે’ કરાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કોર્મશીયલ હાઇરાઇઝ બિલ્ડીંગની ચકાસણી કરાઇ રહી છે પરંતુ ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્વારા જે પ્રકારે કાર્યવાહી થઇ રહી તેને જોતાં લગભગ દોઢ વર્ષ પછી તે પૂર્ણ કરી શકાશે

You might also like