જાણીતા ફિલ્મ કલાકાર સઈદ જાફરીનું નિધન

મુંબઈ : બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અને અંગ્રેજી ફિલ્મોમાં પણ પોતાની છાપ છોડનાર અભિનેતા સઈદ જાફરીનું ગઈકાલે નિધન થયું હતું. ૮૬ વર્ષના અભિનેતાના નિધનના સમાચાર તેમની ભાણેજ સહીમ અગ્રવાલે પોતાના ફેસબુક એકાઉન્ટમાં આપ્યા હતા.સઇદ જાફરીને તેમની ફિલ્મ ગાંધી (૧૯૮ર), શતરંજ કે ખેલાડી (૧૯૭૭), હિના (૧૯૯૧) અને રામ તેરી ગંગા મેલી (૧૯૮પ) માટે આજે પણ લોકો યાદ કરે છે. તેમણે નાયક અને ખલનાયક બંને પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી. ખાસ વાત એ હતી કે, તેમને તેમની બંને ભૂમિકાઓને લોકોએ સ્વીકારી હતી.

તેમના રામ તેરી ગંગા મેલીના ડાયલોગ ‘ગંગા કભી કલકતા સે બનારસ કી ઔર નહીં બહેતી, વો બનારસ સે કલકતા હી આતી હૈ’ આ ડાયલોગને આજે પણ બોલિવૂડના શ્રેષ્ઠ ડાયલોગ ગણવામાં આવે છે.ભારતમાં જન્મેલા બ્રિટીશ અભિનેતા સઇદ જાફરીએ અનેક અંગ્રેજી ફિલ્મો જેમ કે ‘ધ મેન હુ વૂડ બી કિંગ, એ પેસેજ ટુ ઈન્ડિયા વગેરેમાં કામ કર્યું હતું. તેઓએ અભિનેત્રી અને લેખિકા મેહરૂ નીમા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ ૧૯૬પમાં છૂટા પડી ગયા હતા. તેમની ત્રણ પુત્રી મીરા, જીયા અને સકીમ જાફરી છે. ચશ્મે બદદુર અને માસૂમ ફિલ્મમાં પણ તેમનો અભિનય શાનદાર હતો.
તેમનો જન્મ પંજાબમાં થયો હતો અને તેમણે લંડનના આરએડીએ એકેડમીમાં એકટિંગની તાલીમ લીધી હતી. તેમને ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયરથી નવાઝવામાં આવ્યા હતા. તેમને શતરંજ કે ખેલાડી ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટીંગ એકટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

You might also like