નોટબંધીઃ એક વર્ષમાં સોનાની માગ ૨૫ ટકા ઘટી

મુંબઇ: સરકારની નોટ બદલીની જાહેરાતને આવતી કાલે એક વર્ષ પૂરું થશે. એક વર્ષમાં સોનાની માગમાં ૨૫ ટકા ઘટાડો નોંધાયો છે. બુલિયન ટ્રેડર્સ અને જ્વેલર્સનું કહેવું છે કે સોનાના બિઝનેસ ટુ બિઝનેસ કારોબારમાં કાળાં નાણાંનો વ્યવહાર લગભગ બંધ થઇ ગયો છે, જોકે બિઝનેસ ટુ કન્ઝ્યુમર વચ્ચેના કારોબારમાં હજુ પણ કાળાં નાણાંના વ્યવહારનું ચલણ બંધ થઇ શક્યું નથી.

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું કે નોટબંધી બાદ શરૂઆતના મહિનામાં સોના અને જ્વેલરીનો કારોબાર ૭૫ ટકા ઘટ્યો હતો, જોકે નાણાકીય સિસ્ટમમાં નવી ચલણી નોટનો પ્રવાહ વધતાં ધીમે ધીમે માગ વધી હતી, જોકે તે પાછલા વર્ષની સરખામણીમાં હજુ પણ ૨૫ ટકા નીચી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૬માં ભારતમાં સોનાની માગ ૬૭૫.૫ ટન હતી, જે વર્ષ ૨૦૧૫ની સરખામણીએ ૨૧ ટકા ઓછી હતી. તેની પાછળનાં મુખ્ય કારણોમાં જ્વેલર્સની હડતાળ, રોકડેથી મોટી રકમની ખરીદી માટે ફરજિયાત પાન હતાં. વર્ષ ૨૦૧૫માં સોનાની ડિમાન્ડ ૮૫૭.૨ ટન હતી.

ચાલુ કેલેન્ડર વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં નોટબંધીની અસર જોવા મળી હતી. ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ એપ્રિલ-મે-જૂન એમ કુલ ત્રણ મહિનામાં સોનાની માગમાં ૩૭ ટકા વધારો નોંધાયો હતો. દરમિયાન જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ૧ જુલાઇથી જીએસટી ત્રણ ટકા લાદતાં સોનાની માગમાં ફરી એક વાર ઘટાડો નોંધાયો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે નોટબંધી બાદ દાણચોરીમાં ઘટાડો થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે બી ટુ સી-બિઝનેસ ટુ કન્ઝ્યુમર કારોબારમાં હજુ પણ કાળાં નાણાંનું ચલણ છે, જ્યારે બી ટુ બી-બિઝનેસ ટુ બિઝનેસ લેવલે કાળાં નાણાં થકી કારોબાર લગભગ બંધ થઇ ગયો છે.

You might also like