નોટબંધીની પળોજણમાં જીએસટી નંબર માઈગ્રેશનને વેપારીઓનો ઠંડો પ્રતિસાદ

અમદાવાદ: કેન્દ્ર સરકાર એપ્રિલ-૨૦૧૭થી જીએસટી અમલી અને તે માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્ય સરકાર પણ જુદા જુદા લેવલે તૈયારીઓ હાથ ધરી છે. જેમાં વેટ રજિસ્ટર્ટ વેપારીઓએ જીએસટીમાં ઓટોમેટિક માઈગ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે રજિસ્ટર્ટ વેપારીએ રાજ્યની કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને યુઝર્સે આઈડી, પાસવર્ડ, ઈ-મેઈલ, મોબાઈલ નંબર, પરમેનેન્ટ એકાઉન્ટ નંબર તથા પાંચ સિક્યોરિટી પ્રશ્નના જવાબ ડાઉન લોડ કરીને લોગ ઈન થઈ જવાનું રહેશે.

ડિપાર્ટમેન્ટે આ માટે ૧૫મી નવેમ્બરથી ૩૦મી નવેમ્બરનો સમય આપ્યો છે. પરંત સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યમાં આઠમી તારીખ બાદ રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટ બંધ કરતાં નોટબંધની પળોજણની અસર જીએસટી માઈગ્રેશન પ્રક્રિયા ઉપર પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ૪.૭૦ લાખથી વધુ ડીલરો છે. ૧૫મી નવેમ્બરથી ૨૨મી તારીખ સુધીમાં હજુ સુધી માત્ર ૭૦ હજાર ડીલરો દ્વારા આ માઈગ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

દરમિયાન બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ વારીસ ઈસાનીના જણાવ્યા પ્રમાણે હાલ માત્ર જીએસટી માઈગ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. વેપારીએ આઈજી-૨૦ ફોર્મ ભરવું ફરજિયાત નથી. આ માટેનો સમયગાળો માર્ચ સુધીનો છે.

You might also like