ચલણમાં ચેન્જઃ અર્થશાસ્ત્રનું તર્કશાસ્ત્ર

“આજ રાત ૧૨ બજે કે બાદ ૫૦૦ ઔર ૧૦૦૦ રુપયે કી નોટ સિર્ફ એક કાગજ કા ટુકડા બન કે રહ જાયેગી.”

૮ નવેમ્બર, ૨૦૧૬ ને રાત્રે આઠ વાગ્યે દેશભરની ન્યૂઝ ચેનલો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપર મુજબના શબ્દો ઉચ્ચાર્યા એ સાથે જ દેશ આખો અંધાધૂંધી અને અરાજકતામાં ફેરવાઈ ગયો. રાતોરાત લેવાયેલા આ નિર્ણયથી દેશભરમાં અફરાતફરી મચી ગઈ. અચાનક જ રૂપિયા પાંચસો અને એક હજારની ચલણી નોટો રીતસર કાગળમાં ફેરવાઈ જતાં ભિખારીથી માંડી માલેતુજારો સહિતના સૌ કોઈના જીવ પડીકે બંધાઈ ગયા. એ પછીના કેટલાક દિવસોમાં જે પરિસ્થિતિ પેદા થઈ તે અકલ્પનીય છે.

મોટાં શહેરોમાં લોકો મોડી રાત સુધી પાંચસો, હજારની નોટો બદલાવવા એટીએમ આગળ લાઈનો લગાવતા જોવા મળ્યા.  પેટ્રોલપંપો, ટોલનાકાઓ પર વાહનોની લાંંબી લાઈનો લાગી ગઈ. વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના હાઈવે ટોલનાકાઓ પર તો ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. આંગડિયાઓનો વ્યવહાર, એટીએમ, બેંક, ટોલબૂથ, જ્વેલર્સ, બજારો, માર્કેટયાર્ડની હરાજી, મંદિરોમાં દાન સહિતની પ્રવૃત્તિઓ અટકી ગઈ. સપરિવાર દિવાળી વેકેશનની મજા માણવા ગયેલા અનેક પરિવારો ફસાયા. ઉશ્કેરાયેલા લોકોએ કેટલીક જગ્યાએ બેંક કર્મચારીઓ પર દાઝ કાઢી. લોકોના રોજિંદા વ્યવહારો ઠપ થઈ જતા વગર કર્ફ્યૂએ શહેરો શાંતિની મુદ્રામાં આવી પડ્યાં. દેશ આખો વહેલીતકે આ બંને નોટોથી છુટકારો મેળવવા મચી પડ્યો છે.

કફોડી પરિસ્થિતિમાં મુકાયા પછી અને હાડમારીનો સામનો કર્યા પછી સામાન્ય માણસને શું મળશે ? શું કાળું નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદ પર બ્રેક લાગશે ખરી ? વડા પ્રધાને ખાસ કરીને કાળાં નાણાંને નાથવા માટે આ પગલું ભર્યું હોવાનું કહ્યું છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી બેંકો બહાર લાગેલી લાઈનમાં લકઝુરિયસ ગાડી લઈને આવેલો એક પણ માણસ જોવા મળ્યો નથી. એવી જ રીતે ન તો કોઈ નેતા, મોટા બિલ્ડર, વેપારીઓ કે આઈએએસ-આઈપીએસ અધિકારીઓ જોવા મળ્યા છે. મોટાભાગના લોકો મધ્યમવર્ગના છે. જેના પરથી ખ્યાલ આવે છે કે સરકારના આ નિર્ણયથી સૌથી વધુ સહન કરવાનું માત્ર આમ આદમીને આવ્યું છે. આ તમામ મુદ્દે નિષ્ણાતો શું કહે છે તે જાણીએ. પ્રથમ વાત કરીએ કાળાં નાણાંની.

કરન્સી પર લગામથી કકળાટ અટકશે ?
કાળું નાણું ભારત માટે સૌથી મોટો માથાનો દુખાવો મનાય છે. એક અંદાજ પ્રમાણે દેશમાં રૂ.દોઢ લાખ કરોડથી પણ વધુ બોગસ ચલણી નોટો ફરી રહી છે. સરકારનું આ પગલું આ પેરેલલ ઈકોનોમીને નાથવાનો એક પ્રયાસ હોવાનું કહેવાય છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશમાં વધારે ચલણી નોટો ફરી રહી હોવાની વાત કરી હતી. આયોજનપંચના પૂર્વ સભ્ય અને વિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. વાય. કે. અલઘ કાળાં નાણાં મુદ્દે કહે છે, “હાલ માર્કેટમાં બે પ્રકારનું કાળું નાણું છે. એક જે સ્ટોક(જૂની કરન્સી)અને બીજું જમીન, સોનું જેવી પ્રોપર્ટીના સ્વરૂપમાં. સરકારના આ પગલાંથી કરન્સી સ્વરૂપે રહેલાં કાળાં નાણાંને અસર થશે, પણ રોકાણ સ્વરૂપને અસર ઓછી થશે.

કાળું નાણું અટકાવવા માટે ચોક્કસ નીતિ જોઈએ. લોકોને રોકડ અર્થતંત્રમાંથી બેંકિંગ વ્યવસ્થા તરફ વાળવા પ્રોત્સાહિત કરવા પડે. ઈન્ફોર્મલ સેક્ટરને ફોર્મલ સેક્ટરમાં લાવવા બીજી નીતિઓ પણ જોઈએ. આપણે સૌ ઇચ્છીએ છીએ કે કાળું નાણું નાબૂદ થાય. તેના માટે દુકાનદારથી માંડી સામાન્ય માણસ સુધીના સૌ કોઈને બેંકિંગ સિસ્ટમમાં લાવવા પડે. ગામડાં પણ બેંકિંગ સિસ્ટમનો ભાગ બને તે જરૂરી છે. હાલના પગલાંથી આ લોકોની બચત પર ભારે અસર પડી છે, કારણ કે તેઓ બેંક સાથે જોડાયેલા નથી. આમ પણ કરન્સી પરથી લોકોનો વિશ્વાસ ઊઠી જાય ત્યારે વધુ સમસ્યા સર્જાતી હોય છે. હાલની પરિસ્થિતિ જોતાં સરકાર પાસે નવું કાળું નાણું ઉત્પન્ન થશે તેની સામે લડવા કોઈ નીતિ નથી એવું લાગે છે. માત્ર કાળાં નાણાંના જૂના સ્ટોકને અટકાવવા આ પગલું ભર્યું હોય તેવું લાગે છે.”

સરકાર કાળું નાણું નથી તે પણ લઈ ગઈ
જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંત શાહ કાળાં નાણાંને નાથવા સરકારે લીધેલા આ પગલાં સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહે છે, “સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા નાગરિકોને બાનમાં લઈ રહી છે. અગાઉ વિદેશોમાં રહેલું કાળું નાણું પાછું લાવીને દરેક નાગરિકના ખાતામાં રૂ.૧૫ લાખ જમા કરવાનું કહેતી સરકાર અત્યારે તો મારા ખાતામાં રહેલા રૂપિયા, જે કાળું નાણું નથી તે પણ લઈ ગઈ. આટલું ઓછું હોય તેમ પોતાના ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડવા તેના પણ નિયંત્રણો લાદી દીધાં. કાળું નાણું ઊભું કરનારા સ્ત્રોતોને નાથવાને બદલે સરકાર આવા નોનસેન્સ નિર્ણયો લઈને સામાન્ય માણસને હેરાન કરી રહી છે. એક તરફ સરકાર કૅશલેશ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે પણ ક્રેડિટ, ડેબિટ કાર્ડ પરનો ચાર્જ ઘટાડતી નથી. સર્વિસ સહિતના ચાર્જને કારણે ઊલટાનું રોકડની સરખામણીએ વધુ રૂપિયા આપવા પડે. એક મધ્યમવર્ગીય માણસ તરીકે હું ઇચ્છું છું કે તમામ વ્યવહારો કાર્ડથી કરું.

પણ આવી પાંચ જગ્યાએ ખરીદી કરું તો મારે તો વધારાના રૂપિયા આપવાના થાય. આવી સ્થિતિમાં લોકો ક્યાંથી કૅશલેશ વ્યવહારો તરફ વળે ? સરકાર એમ માનતી હોય કે કાળું નાણું સૌથી વધુ રિઅલ એસ્ટેટ અને ઝવેરી માર્કેટમાં રોકાયેલું છે. તો શા માટે જાહેરાત થયાની આખી રાત સોના-ચાંદીની દુકાનો ખુલ્લી રહી ? રૂ.૫૦૦,૧૦૦૦ની નોટોના કોથળા ભરીને માલદારોએ સોના,ચાંદી, હીરાનાં ઘરેણાંની ખરીદી કરી અને વેપારીઓએ લીધી પણ ખરી. ત્યારે કેમ કોઈ પગલાં ન લેવાયાં ? રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન અનેક મોટી સભાઓ કરે છે. કરોડો રૂપિયા ખર્ચીને સ્ટેજ વગેરે બનાવડાવે છે, એ રૂપિયાનો સરકાર કેમ કોઈ હિસાબ નથી માગતી ? આપણે ત્યાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અને કાળું નાણું નેતાઓ અને રાજકીય પક્ષો પાસે છે તે ખુલ્લું સત્ય છે. આ લોકો જ દેશમાં આવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે. કાળું નાણું રોકડ સ્વરૂપે છે એ આપણો ભ્રમ છે. તે રોકડ કરતાં સોના-ચાંદી, જમીનો, પ્રોપર્ટી વગેરના સ્વરૂપમાં વધુ છે. સરકારના આ પગલાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓ સસ્તી થવાની વાત તો દૂર ઊલટાનો મંદીનો માહોલ ઊભો થશે. કાળાં નાણાંની સમસ્યાને નાથવા સંગ્રહખોરી ડામવી પડે, ઉત્પાદન વધારવું પડે અને ભાવવધારાને કાબૂમાં રાખવો પડે. માત્ર કરન્સી બદલવાથી તે શક્ય ન બને.”

બનાવટી ચલણી નોટો ખતમ થઈ જશે
રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી અને દેશના આર્થિક પ્રવાહોના ઊંડા અભ્યાસુ ડૉ.જયનારાયણ વ્યાસ સરકારના આ પગલાંની બ્લેક મની અને બ્લેક ઈકોનોમીને કેવી રીતે અસર થશે તેની વિસ્તારથી છણાવટ કરતાં કહે છે, “બ્લેક મની એટલે બિનહિસાબી નાણું. આપણે ત્યાં ૨૦ ટકા જીડીપી ખેતી પેદા કરે છે અને ખેડૂતના મોટાભાગના ખરીદ-વેચાણના વ્યવહાર રોકડામાં હોય છે. એ જ રીતે નાસ્તાની દુકાન, ચાની લારી, રિક્ષાના ફેરા જેવા સર્વિસ સેક્ટરના વ્યવહારો રોકડમાં જ થાય છે. દેશનું ૫૦ ટકા અર્થતંત્ર રોકડેથી ચાલે છે અને તે બ્લેક મની નથી. બ્લેક મની એ છે કે જે બિનહિસાબી છે. જેનો કોઈ જગ્યાએ હિસાબ નથી કરાતો, ભરવાપાત્ર વેરો નથી ભરાતો, બારોબાર સરકારનાં તમામ નિયંત્રણોને બાજુ પર રાખીને નાણાકીય વ્યવહાર થાય છે. આ બ્લેક મની અને તેના દ્વારા ઊભી થતી આવક અને અર્થતંત્ર એટલે બ્લેક ઈકોનોમી. તેમાં રૂપિયા સિવાય સોનું, રિઅલ એસ્ટેટ, હીરા વગેરે પણ આવે છે. હાલ એશિયામાં કુલ જીડીપીના ૨૮થી ૩૦ ટકા બ્લેક ઈકોનોમીમાં છે. આફ્રિકા અને લેટિન અમેરિકામાં આંકડો ૪૧થી ૪૪ ટકા સુધી પહોંચે છે. વિશ્વના ૯૬ વિકાસશીલ દેશોના જીડીપીના સરેરાશ ૩૮.૭ ટકા બ્લેક ઈકોનોમીના છે. જ્યારે ભારતમાં તે કુલ જીડીપીના ૨૩થી ૨૬ ટકા (૨૦૧૫-૧૬ પ્રમાણે રૂ. ૧૩૫.૭૬ લાખ કરોડ) થવા જાય છે. એટલે આપણો દેશ બહુ નાણાકીય અરાજકતા ધરાવતો દેશ છે, તમામ વ્યવહારો કોઈ પણ પ્રકારનાં બંધનો વિના જ ચાલે છે એવું નથી. ખેડૂતને દાણા વેચ્યા બાદ ચેક લાવીને ખાતામાં નાખવાની ઝંઝટ પોસાતી નથી. જેમ જેમ લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વિશે સમજતા થશે તેમ સ્વીકારશે. તે પણ રાતોરાત નહીં થાય. એક વાત નક્કી છે કે સરકારના આ પગલાંથી બનાવટી ચલણી નોટો ખતમ થઈ જશે.”

અર્થતંત્ર પર શું અસર પડશે ?
અમદાવાદની એચ.કે.કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના પૂર્વ પ્રોફેસર અને આર્થિક નિષ્ણાત રમેશભાઈ બી. શાહ નાણાકીય કટોકટીની વિવિધ સેક્ટરો પર પડનારી અસરો વિશે વિસ્તારથી સમજાવતાં કહે છે, “કાળું નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદને નાથવા માટે કરન્સીની સાથે બીજાં કયાં પગલાં ભરવામાં આવે છે તેના પર આધાર છે. જો ભ્રષ્ટાચાર અને કરચોરી અટકાવી ન શકાય તો કાળું નાણું ફરી સર્જાશે. આ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. આપણા અર્થતંત્રમાં રોકડ વ્યવહાર મોટાપાયે ચલણમાં છે ત્યાં સુધી કાળું નાણું, નકલી નોટો અને ભ્રષ્ટાચાર અટકાવવો અઘરું કામ છે. આ આખી ટેક્નિકલ બાબત છે. હાલ દેશના જીડીપીની ૧૪ ટકા જેટલી ચલણી નોટો ચલણમાં છે. જ્યારે દુનિયાના વિકસિત દેશોમાં એ પ્રમાણ માત્ર ચાર ટકા જેટલંલ હોય છે. ત્યાં બધો વ્યવહાર બેંકથી ચાલે છે જેથી કાળું નાણું સર્જાવાનો પ્રશ્ન ઊભો થાય નહીં. આપણે ત્યાં મોટાભાગે કૅશ વ્યવહાર થતો હોવાથી કરચોરીને બહુ મોટો અવકાશ છે. એના માટે ગ્રામીણ પ્રજા બેંકો સાથે જોડાતી થાય તે જરૂરી છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કમ્પ્યૂટર સહિતની સુવિધાઓ પણ જોઈએ.

પણ એ પ્રજાના શિક્ષણનો અને ધીરેધીરે આપણી આદતો બદલવાનો પ્રશ્ન છે. રોકડ વ્યવહારનો ઉપયોગ બને તેટલો ઓછો થાય અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધે એ દિશા તરફનો આ પ્રયત્ન લાગે છે. આ બધી પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગે. આપણે ઇચ્છીએ એ પ્રમાણે તરત બધું નથી થતું હોતું. આપણે ત્યાં એક એવી છાપ છે કે કાળું નાણું બધું ચલણી નોટો સ્વરૂપે રાખવામાં આવે છે. મોટાભાગનું કાળું નાણું હવે સોનાચાંદી, જમીન, મકાન સ્વરૂપે રૂપાંતરિત થઈ ગયું છે. એક તર્ક એવો છે કે રિઅલ એસ્ટેટનું સર્કલ આખું ૬૦-૪૦ના રેશિયો પ્રમાણે ચાલતું હોય છે. ૬૦ ટકા રકમ ચેકથી, ૪૦ ટકા રોકડમાં આપવાની હોય છે. જો રોકડ નાણું માર્કેટમાંથી ગાયબ થઈ જાય તો મકાનોની ડિમાન્ડ ઘટી જાય અને બિલ્ડરોએ ઊંચા વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચડવા માંડે.

આમ, તે ગરજની સ્થિતિમાં મુકાય તો કિંમત ઘટાડીને પણ તેઓ મકાનો વેચવા મજબૂર થાય. પણ હવે બિલ્ડરોની સાથે પ્રધાનો, ધારાસભ્યો જેવા ભ્રષ્ટાચારીઓ સંકળાયેલા હોવાથી તેઓ લાંબા સમય સુધી રાહ જોઈ શકે તેટલા મજબૂત થઈ ગયા છે. ગરજના ભાવે નહીં પણ પોતાના ભાવે જ મકાનો વેચવા માટે તેમની શક્તિ વધી ગઈ છે. મકાનોના ભાવ તો ઘટે ત્યારે ખરા. આપણે નિવડ્યે વખાણવાની નીતિ અપનાવવી જોઈએ.

સરકારે નોટ રદ કરવાનો જે સમય પસંદ કર્યો છે તે યોગ્ય નથી. અત્યારે ખેતપેદાશો બજારમાં આવતી હોય છે અને ખેડૂતોને જે ચૂકવણી થતી હોય છે તે રોકડમાં જ થતી હોય છે. ગામડાંમાં હજુ બેંકનો ઉપયોગ થતો નથી. સરકારના આ પગલાંને કારણે એક અઠવાડિયા સુધી ખેતબજારો બંધ રાખવા પડ્યાં છે. જે હજુ લંબાય તેવી શક્યતા છે. વેપારીઓ પાસે નવું નાણું કેટલી ઝડપથી પહોંચે છે તેના પર આધાર છે. લગ્નની સિઝન શરૂ થઈ હોવાથી લોકોને ખરીદી માટે મોટી રકમની જરૂર હોય છે. કમુરતાંંમાં આ પગલાં લીધાં હોત તો લોકોને ઓછી હાલાકી પડત. હાલ તો નોટો બદલાય છે અને થોડું કાળું નાણું સ્થગિત થશે, લોકો દંડ ભરશે આનાથી વિશેષ કોઈ અસર થાય તેમ લાગતું નથી. બિલ્ડર લોબીને એકાદ વર્ષ હેરાનગતિ થશે. વિદેશ વ્યાપાર પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય, કેમ કે ત્યાં મોટાભાગે ચેક, ડેબિટ-ક્રેડિટ કાર્ડથી વ્યવહારો થતા હોય છે.”

કરન્સી બદલવાથી સમસ્યાનું સમાધાન શક્ય નથી
કરન્સી પર નિયંત્રણના આ પગલાંથી દેશના અર્થતંત્ર પર અનેક મોરચે લાંબાગાળાની અસરો થનાર છે ત્યારે નિષ્ણાતો બજાર પરની અસરો વિશે અલગઅલગ મત વ્યક્ત કરી રહ્યા છે. ડૉ. વાય. કે. અલઘ ચીજવસ્તુઓના ભાવ અને અર્થતંત્રની ગતિ વિશે વાત કરતાં કહે છે, “જો ચીજવસ્તુઓ અમુક હદ કરતાં વધુ સસ્તી થઈ જશે તો અર્થતંત્ર ઢીલું પડી જશે. હાથ પર નોકરી ન હોય અને ચીજવસ્તુઓ સસ્તી થઈ જાય તે શું કામનું ? આપણે વિકાસશીલ અર્થતંત્રની જરૂર છે. વિકાસ ન હોય અને ચીજવસ્તુઓ સસ્તી થઈ જાય તેનો કોઈ મતલબ નથી. દરેક વ્યક્તિ એમ જ ઇચ્છે કે પહેલાં કામધંધો હોય અને તેની સાથે ચીજવસ્તુઓ વાજબી ભાવે બજારમાં ઉપલબ્ધ હોય. અહીં વિકાસ કેવી રીતે વધારવો તેની નીતિની કોઈ સ્પષ્ટતા નથી. એસઈએસઓના આંકડાઓ પ્રમાણે ભારતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ઔદ્યોગિક વિકાસનો દર ત્રણથી ચાર ટકા છે. આ વર્ષમાં પણ દરેક ત્રિમાસિક ગાળામાં રોકાણનો દર ઘટે છે.

આપણે ઔદ્યોગિક વિકાસનો દર ૧૦થી ૧૨ ટકા જોઈએ. માત્ર સેવા ક્ષેત્રની નોકરીઓથી અર્થતંત્ર ન ચાલે, મેન્યુફેક્ચરિંગમાં રોજગારી અને આઉટપુટ ગ્રોથ ૭થી ૧૦ ટકા વચ્ચે જોઈએ. અગાઉ રોકાણ જીડીપીના ૩૨ ટકા જેટલું હતું આજે ૨૮ ટકા થઈ ગયું છે. દર ત્રિમાસિક ગાળામાં રોકાણનો દર ઘટે છે. મારું માનવું છે કે સરકારે વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે રોકાણ વધારવાની જરૂર છે. જો સરકારનું રોકાણ વધશે તો ખાનગી સેક્ટરનું પણ વધશે. મેન્યુફેક્ચરિંગ અને વિકાસદર ૮-૧૦ ટકા જોઈએ. સાથે કૃષિ વિકાસ પણ ઊંચો હોવો જોઈએ. આ બધું મળીને દેશને પ્રગતિ તરફ દોરી જાય. માત્ર કરન્સી બદલવાથી કોઈ સમસ્યાનું સમાધાન શક્ય નથી.”

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ બિપીનભાઈ પટેલ વેપાર ઉદ્યોગ અને અન્ય વ્યવહારો પરની અસરો તરફ નિર્દેશ કરતાં કહે છે, “સરકારના આ પગલાંથી લોકો થોડી દ્વિધા અને અસમંજસમાં જરૂર છે પણ કરન્સી એક્સચેન્જ થયા પછી બધું થાળે પડી જશે. આનાથી આપણી ઈકોનોમીને સમાંતર ચાલી રહેલા બે નંબરના અર્થતંત્ર પર લગામ લાગશે. ભ્રષ્ટાચાર બંધ થશે. બિલ્ડર લોબી પાસેથી બે નંબરનું નાણું નીકળી જવાથી પ્રોપર્ટીની કિંમત અડધી થઈ જશે. અત્યાર સુધી ૬૦-૪૦ પ્રમાણે વ્યવહાર થતો હોવાથી તેમાં કાળું નાણું મોટા પ્રમાણમાં રહેતું હતું. હવે તમામ વ્યવહારો ચેકથી અને સંપૂર્ણપણે વ્હાઈટમાં કરવાના રહેશે. તેથી ખોટા રૂપિયા આવતા અટકશે.

આ જ રીતે ઝવેરીઓ અને કન્સ્ટ્રક્શન લાઈન પર પણ અસર થશે. હાલપૂરતી તેમને બહુ તકલીફ પડશે અને આ ઘરેડમાં આવ્યા વિના છૂટકો પણ નથી. સરકાર પણ એમાં કોઈ બાંધછોડ કરવાની નથી પણ તેના માટે થોડો સમય જરૂર લાગશે. આંતરરાષ્ટ્રીય વેપારને આનાથી કોઈ અસર નહીં થાય. છતાં લાંબા ગાળે ડૉલરની કિંમત ઘટીને રૂ. ૪૦-૬૦ની વચ્ચે આવી જાય તો નવાઈ નહીં. કાળું નાણું બજારમાંથી દૂર થવાથી ભારતીય રૂપિયો મજબૂત બનશે. છતાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટે તેવી શક્યતા ઓછી છે.

પ્રોફેસર હેમંત શાહ કેટલાક પાયાના સવાલો ઉઠાવતા કહે છે, “મારો મુદ્દો એટલો જ છે કે દેશની સરહદની દેખરેખ ભારત સરકાર રાખે છે. તેમનું કહેવું એવું છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદની સાથે નકલી નોટો ભારતમાં ઘુસાડવામાં આવે છે. સવાલ એ છે કે તો સરકાર શું બેઠા બેઠા જોયા કરે છે ? એના માટે મારે શું કામ મુસીબતમાં પડવાનું ? તમારી નિષ્ફળતા છે અને તેનો ભોગ હું બનું છું. અત્યારે પાંચ નોટો મારી પાસે ક્યાંકથી આવી હોય અને હું બેંકમાં જમા કરાવવા જાઉં અને તેમાંથી કેટલીક નકલી નીકળે તો ભોગવવાનું તો મારે જ આવ્યુંને ! મને જે વ્યક્તિએ એ પૈસા આપ્યા તેને પણ ખબર નથી કે નકલી નોટ કોણ આપી ગયું. એટલે મારું માનવું છે કે આ પગલાંથી સામાન્ય માણસનો કરન્સીમાં વિશ્વાસ ઘટશે. અરાજકતાનો માહોલ અને મંદી વધુ ઘેરી બનશે.”

ડૉ. જયનારાયણ વ્યાસ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને વિશ્વ વ્યાપાર પર પડનારી અસરો વિશે કહે છે, “હવે ભ્રષ્ટાચારના અનેક પ્રકાર છે. સંબંધ સાચવવા માટે કોઈની માગ કે જિદ સંતોષવામાં આવે છે એ પણ ભ્રષ્ટાચાર છે. આતંકવાદીઓમાં તો હીરા અને સોનાચાંદીમાં લેણદેણ થાય છે. આ પગલાંથી દેશમાં કમ સે કમ નાણાકીય વ્યવહારોના ભ્રષ્ટાચાર પર તો રોક લાગશે જ. રહી વાત વિશ્વ વેપારની તો ભારત આ મામલે હજુ પા પા પગલી પાડતો દેશ પણ નથી. કુલ વૈશ્વિક વ્યાપારમાં ભારતનો હિસ્સો માત્ર ૧.૭૫ ટકા માંડ છે. એમાં પણ અડધોઅડધ હિસ્સો કોમોડિટીનો છે. ચીનનો ૧૭.૫ ટકા છે. પ્રાઈસ સેન્સિટિવિટી ઓફ ડિમાન્ડ અને લોકોની ખરીદશક્તિ જોઈને ભાવો નક્કી થતા હોય છે. હવે લોકો પર જાહેરાતની ભારે અસર થવા માંડી છે, ખરીદશક્તિ પણ વધી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.

રિઅલ એસ્ટેટને મંદીમાં બેવડો માર પડશે
એવું મનાય છે કે સૌથી વધુ કાળું નાણું રિઅલ એસ્ટેટમાં ફરે છે. એટલે સ્વાભાવિક રીતે રૂ. પ૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ થઈ તેની સીધી અસર રિઅલ એસ્ટેટ માર્કેટ પર પડી છે. જમીન-મકાનના સોદાઓમાં વ્હાઈટ અને બ્લેક મનીનો ઉપયોગ થાય છે. દસ્તાવેજ નીચો બતાવી ઉપરની રકમનાં નાણાં જે ઓન પેમેન્ટ કહેવાય તે મોટેભાગે બ્લેક મની હોય છે. બિલ્ડરો પણ આ રકમ ચોપડે લેતા નથી. આથી જ કાળાં નાણાં માટે રિઅલ એસ્ટેટ સૌથી વધુ વગોવાયેલું છે.

હવે એકાએક મોટી નોટ ચલણમાંથી પરત ખેંચી લેવાતા રિઅલ એસ્ટેટ માર્કેટના વ્યવહારોને અસર થઈ છે અને અનેક મોટા સોદાઓનાં પેમેન્ટ અટવાઈ ગયાં છે. રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ રિઅલ એસ્ટેટમાં બ્લેેક મનીના કારણે
કૃત્રિમ રીતે ઊંચા ભાવ લેવાતા હતા તેમાં હવે બ્રેક લાગી જશે. જમીન-મકાનના ભાવ પર અંકુશની સાથે ભાવો પણ નીચા જવાની શક્યતા છે. બેંકિંગ સાથે સંકળાયેલા ઓફિસરોનું કહી રહ્યાં છે કે, “હવે સામાન્ય માનવીને ‘ઘરના ઘર’નું સ્વપ્ન પૂર્ણ થાય એટલા ભાવ નીચે જવાની સંભાવના છે.” રાજકોટ બિલ્ડર એસોસિયેશનના અગ્રણી હિતેશભાઈ બગડાઈ કહે છે,

“સરકારના આ નિર્ણયની રિઅલ માર્કેટ પર અસર પડી છે. ખાસ કરીને કેટલીક જોગવાઈની સ્પષ્ટતા ન થાય અને ખોરવાયેલા આર્થિક વ્યવહારો પૂર્વવત્ ન થાય ત્યાં સુધી સોદાઓ થવાની શક્યતા ઓછી છે. જમીન-મકાનના ભાવમાં ૧૦થી ૧પ ટકા ભાવ ઘટવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. હાલ ભલે માર્કેટમાં અફરાતરફીનો માહોલ હોય પરંતુ સરકારના આ પગલાથી લાંબા ગાળે તંદુરસ્ત હરીફાઈ ઊભી થશે અને કાયદેસર કામ કરતાં લોકો જ માર્કેટમાં રહેશે તેમ મનાઈ રહ્યું છે.”

સોની બજાર: દાગીનાની ચમક ઝાંખી થશે
સોનું એ સલામત રોકાણ હોઈ ચલણી નોટ મધરાતથી બંધ થશે તેવી મોદીએ જાહેરાત કરતાંની સાથે જ લોકો નોટોનાં બંડલ લઈને જવેલર્સવાળાને ત્યાં પહોંચી ગયા હતા અને મધરાત સુધી શક્યતઃ ખરીદી કરી લીધી હતી. કેટલાક સોનીઓએ તો દિવાળીના તહેવારના દિવસો કરતાં પણ વધુ વેપાર કરી લીધો હતો. કેટલાક સોનીઓએ તો ગ્રાહકોની મજબૂરીનો લાભ લઈને ઊંચા ભાવે દાગીના વેચ્યા હતા.

રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા કહે છે, “કેટલાક બ્રાન્ડ જ્વેલર્સે રાતોરાત ભાવ ઊંચકીને ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. બજારના સામાન્ય વેપારીઓએ તો આઠેક વાગ્યે દુકાનો બંધ કરી દીધી હતી. એસોસિયેશને તો જૂની નોટના બદલામાં સોનું ન આપવા સભ્યોને જણાવી દીધું હતુંં. સોનાના ભાવ રાતોરાત દસ ગ્રામના રૂ.૩૪ હજાર સુધી પહોંચી ગયા હતા, પરંતુ એક દિવસ પછી તે ફરીથી ઘટીને રૂ.૩૧ પ૦૦એ આવી ગયા છે. ચલણી નોટ બંધ કરવાના સરકારના આ નિર્ણયથી સોનાચાંદી બજારમાં મંદી આવશે, કારણ કે સામાન્ય વર્ગ લગ્નોત્સવ કે અન્ય પ્રસંગોને લઈને દાગીના ખરીદવા માગે છે, પરંતુ તેમની પાસે પૈસા નથી. બેન્કોમાંથી નવી નોટો મર્યાદિત અપાય છે એટલે બજારમાં આગામી દિવસોમા મંદીનો માહોલ રહેશે.”

અર્થશાસ્ત્રીઓ શું માને છે?
નોટ એકાએક બંધ કરી દેવાના સરકારના આ નિર્ણય અંગે અર્થશાસ્ત્રીઓ અને બેંકિંગ સેક્ટરના તજજ્ઞોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. કેટલાકનું કહેવું છે કે કાળું નાણું અટકાવવા અને આતંકવાદી પ્રવૃત્તિની આર્થિક કેડ ભાંગવા માટે સરકારનું આ પગલું હિંમતભર્યું છે, તો કેટલાંક માની રહ્યા છે કે કાળાં નાણાંના સોદાગરો તો કોઈ રસ્તો શોધી લેશે પરંતુ આમજનતા પરેશાન થઈ રહી છે.

રાજકોટના જાણીતા આર્થિક બાબતોના નિષ્ણાત પ્રો. નિર્મલ નથવાણી કહે છે, “કાળાં નાણાંને નાથવા આવાં પગલાંની આવશ્યક્તા હતી. ટૂંક સમય માટે લોકોને પરેશાની ભોગવવી પડશે, પરંતુ લાંબા ગાળા માટે આ નિર્ણય ઈન્ડિયન ઈકોનોમી માટે ફાયદાકારક છે. સરકારને એવા ચોંકાવનારા રિપૉર્ટ મળ્યા હતા કે ભારતના કુલ ચલણમાં ૮૬ ટકા નોટ રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ની છે. વળી છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન રૂ.પ૦૦ની નોટના સરક્યુલેશન રેટમાં ૭૬ ટકા અને રૂ.૧૦૦૦ની નોટમાં ૧૦૯ ટકાનો વધારો થયો છે. આમ, મોટા પાયે ફેક કરન્સી હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતુંં. આ સ્થિતિ પર કાબૂ મેળવવા એક આકરું પગલું જરૂરી હતું. મોદી સરકારની આર્થિક મોરચે આ સર્જિકલ સ્ટ્રાઇક છે.”

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી કે.પી. અંતાણી કહે છે, “સરકારના આ નિર્ણયથી દેશમાં રહેલું કાળું નાણું મોટી માત્રામાં બહાર આવે તેવી શક્યતા લાગતી નથી, કારણ કે લોકો તેનો કોઈ રસ્તો કરી લેશે. દેશમાં હાલ ૮૭ હજાર રાષ્ટ્રીયકૃત અને ૧ લાખ સહકારી બેન્કોની શાખા છે. કાળાં નાણાંનો વ્યવહાર કરનારાઓનાં બોગસ ખાતાં બેન્કોમાં હોય છે. તેઓ આ ખાતાનો ઉપયોગ કરીને બ્લેક પૈસા વ્હાઈટ કરી નાખશે કે જૂની નોટો આસાનીથી બદલી નાખશે.”

સુરતમાં મકાન સસ્તુ થશે!
મોટી ચલણી નોટો બંધ કરવાની સરકારની જાહેરાત પછી સુરતના બાંધકામ ઉદ્યોગમાં સોપો પડી ગયો છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બી.એસ.અગ્રવાલ કહે છે, “સૌથી પહેલી મુશ્કેલી તો દિવાળી પછીનું કામકાજ શરૂ કરવાની જ છે, કારણ કે કૅશ નહીં હોવાને કારણે બિલ્ડરો કામદારોને પેમેન્ટ કેવી રીતે કરશે. ભાવોની વાત છે તો તે ૧૦૦ ટકા ઘટશે પરંતુ કેટલા તે કહેવું હાલ મુશ્કેલ છે.”

ડાયમંડ ઉદ્યોગનું વેકેશન લંબાવવું પડશે
સુરતનો ડાયમંડ ઉદ્યોગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે. શહેરમાં ૪૦૦૦ જેટલી ડાયમંડ ફેક્ટરી છે જેમાં ૧૦૦૦ જેટલી મોટી છે, જેનું કામકાજ મોટાભાગે ચેકથી જ થતું હોય છે. એક્સપોર્ટનું કામ પણ વ્હાઇટમાં જ થાય છે, પરંતુ મોટી મુશ્કેલી ૩૦૦૦ જેટલી નાની ફેક્ટરીઓને પડશે. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રવીણ નાણાવટી કહે છે, “સૌથી મોટી સમસ્યા કારીગરોને પગાર કરવાની રહેશે એથી જ વેકેશન મહિનો લંબાય તો નવાઈ નહીં. એક અંદાજ મુજબ ડાયમંડ બજારમાં દરરોજ રૂ.૧૨૫ કરોડનું ટર્નઓવર થાય છે, જેમાં કૅશમાં થતાં ૪૦ ટકા જેટલા કામને અસર થશે. આ જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ લૂમ્સ અને નાનાં કારખાનાંમાં પેમેન્ટની સમસ્યા ઊભી થવાથી તેને પણ અસર થશે.”

મની એક્સચેન્જઃ તરત જોઈએ તો ૩૦ ટકા
રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થવાની રાતે સુરતમાં કામ કરતા એક એજન્ટે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, “પહેલા દિવસે ૧૦૦ રૂપિયાએ ૨૦ રૂપિયા કાપીને આપવાનો ટ્રેન્ડ હતો. લોકોએ બદલાવી પણ દીધા પરંતુ પછીથી ૧૦૦ની નોટ ખૂટી પડી અને ભાવ વધીને ૩૦ રૂપિયા થઇ ગયો.”
ડાયમંડનો પૈસો રિઅલ એસ્ટેટમાં ફસાયો
જાણકારો કહે છે કે સુરતના ડાયમંડ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં નાણાં રિઅલ એસ્ટેટમાં ઠલવાયાં હતાં. નામ ન આપવાની શરતે એક એજન્ટે કહ્યું કે, “હવે આ તમામ પૈસા જમીન વેચનારા ખેડૂતોના નામે જાય તેવી શક્યતા છે. તેમની ખેતીની આવક પર ટેક્સ લાગતો નથી એટલે બિલ્ડરો ખેડૂતો મારફતે એક્સચેન્જ કરાવી લેશે. આ કારણથી હવે ખેડૂતો ડિમાન્ડમાં આવી જશે.”

હવે મોબાઈલ મની કે પ્લાસ્ટિક મનીનો જમાનો આવશે
મોટી ચલણી નોટ બંધ કરવાની જાહેરાતના બીજા જ દિવસે મીડિયામાં પે-ટીએમ, ઓલા મની અને બીજી કંપનીઓએ જાહેરાત પ્રસિદ્ધ કરી. કંપનીઓએ આ તક મોટી જણાઈ અને બીજા દિવસથી ખરેખર અસર દેખાવા પણ લાગી. અહેવાલો મુજબ મોબીક્વિક નામની એપ.નો ડાઉનલોડ ૪૦ ટકા વધી ગયો. ઓલો મનીના રિચાર્જમાં ૧૫૦૦ ટકાનો વધારો નોંધાયો. આ ઉપરાંત કેબ સર્વિસ, ટ્રાવેલ એજન્ટ્સ, હોટેલ બુકિંગ વગેરેમાં પણ મોબાઇલથી પેમેન્ટ વધી ગયાં. એમેઝોન, સ્નેપડિલ જેવી કંપનીઓએ પણ કૅશ ઓન ડિલિવરી બંધ કરી ઇ-પેમેન્ટ જ સ્વીકારવાનું શરૂ કરી દીધું.

જો એટીએમની વાત કરીએ તો દર ૧ લાખની વસતીએ માત્ર ૨૦૦ જ એટીએમ છે જ્યારે અન્ય દેશોમાં તે સંખ્યા ૧૦૦૦ જેટલી છે. એટલે હાલમાં તો કૅશ જ કિંગ રહેશે. આગામી બજેટમાં ડિજિટલ મનીને પ્રમોટ કરનારી કેટલી સ્કીમ કે રાહતો જાહેર થઇ શકે છે, તેમ બેંકિંગ ક્ષેત્રના જાણકાર વિક્રાંત તનવરે જણાવ્યું હતુંં.

સૌથી વધુ અસર મધ્યમવર્ગને થશે
અગાઉ પણ અનેક વખત રાજકોષીય નીતિ બદલાઇ પરંતુ ફુગાવો કંટ્રોલમાં આવ્યો નથી. જોકે આ પગલાંની સૌથી વધુ અસર મધ્યમવર્ગને જ પડશે. કારણ તેની ખરીદ શક્તિ અને અર્થતંત્ર પરની પકડ વધુ છે. એમ જણાવતા કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગનાં વડા કલ્પના સતીજા વધુમાં કહે છે, “હાલના સમયે મધ્યમવર્ગ દ્વારા સીમામર્યાદાની બહાર અનેક પ્રકારે ખર્ચા થાય છે. તેમની આવક પણ વધી રહી છે સાથે ખર્ચ પણ વધ્યો છે તેથી ફુગાવો વધે છે. નોટો રદ થવાથી શરૂઆતનો થોડો સમય મધ્યમવર્ગને તકલીફ પડશે. જોકે એકાદ વર્ષમાં આ પગલાંની સારી અસર દેખાવા લાગશે જ.

સરકારના આ પગલાંની અસર દેખાતા એકાદ-બે વર્ષનો સમય જરૂર લાગશે. આ પગલાંથી થાપણો પરના વ્યાજનો દર વધશે. જે ૯ ટકા કે તેથી ઉપર પહોંચવાની શક્યતા છે. જ્યારે હોમલોન, પર્સનલ લોનના વ્યાજદરમાં પણ વધારો થશે. જમીન- મકાનમાં ઇન્વેસ્ટ કરનારા માટે ખરાબ દિવસો આવશે. તેના ભાવ તળિયે બેસી જશે. કદાચ મોંઘવારી ઘટે તેવું પણ નજીકના ભવિષ્યમાં જોવા મળી શકે. કાળાં નાણાં અને નકલી નોટો પર અંકુશ આવશે, જેની દેશના અર્થતંત્ર પર સારી અસર જોવા મળશે.”

દેશના બજારોમાં નોટો રદ થતાં જ જેવી રીતે મંદી દેખાવા લાગી છે તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ મંદી જરૂર દેખાશે પરંતુ તે થોડો સમય પૂરતી જ હશે. જેવું નવું નાણું ફરી બજારમાં ફરવા લાગશે કે તરત જ ઇકોનોમી આગળ વધશે. સરકારે રૂ.૫૦૦ અને એક હજારની નોટ રદ કરવાનો લીધેલો નિર્ણય દેશનાં અર્થતંત્ર અને મધ્યમવર્ગીય લોકો માટે ઘણો સારો છે.”  સરકારને આ પગલું ભલે દેશહિતમાં જરૂરી લાગતું હોય, પણ આ જાહેરાતથી દેશનો સામાન્ય માણસ કે જેને આવી ટેક્નિકલ બાબત સાથે કોઈ લેવાદેવા નથી તેની પરેશાનીમાં ઓર વધારો થયો છે.

વિશેષ માહિતી: નરેશ મકવાણા-અમદાવાદ, દેવેન્દ્ર જાની-રાજકોટ, વિરાંગ ભટ્ટ-સુરત, સુચિતા બોઘાણી કનર,-ભૂજ, લતિકા સુમન, મુંબઈ

ભારતીય અર્થતંત્રમાં ત્રણ વખત નોટો બંધ થઈ
આર્થિક ક્ષેત્રના તજજ્ઞોની માહિતી મુજબ આઝાદી પહેલાં બ્રિટિશ શાસનમાં રૂ.૧૦ હજારની નોટ ચલણમાં હતી તે બંધ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૭૮માં મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા ત્યારે રૂ.૧૦૦૦ની નોટ બંધ કરાઈ હતી. હવે ર૦૧૬માં નરેન્દ્ર મોદી સરકારે રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટ બંધ કરી દીધી છે.

નિવૃત્ત બેન્ક ઓફિસરોના કહેવા મુજબ ૧૯૭૮માં મોરારજી દેસાઈના શાસનમાં રૂ.૧૦૦૦ની નોટ બંધ કરવામાં આવી ત્યારે આટલો ઊહાપોહ અને સામાન્ય માણસ પરેશાન થયા નહોતા. હાલમાં પરિસ્થિતિ વિકટ બની છે, કેમ કે નાના મજૂર પાસે પણ હવે રૂ.૧૦૦૦ની નોટ હોય છે એટલે સ્વાભાવિક રીતે હાલના નિર્ણયની અસર સામાન્ય માણસ પર થઈ છે.

બ્લેકના વ્હાઈટ કરવાના ખેલ શરૂ થયા
રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ એકાએક બંધ થતા હવે જૂની નોટોને ઠેકાણે પાડવા અને બ્લેકનાં નાણાંને વ્હાઈટમાં ફેરવવાના અનેક નુસખા લોકો અજમાવી રહ્યા છે. નાના વેપારીઓથી માંડીને બિલ્ડર-બૂકીઓએ આ માટે નિતનવા ખેલ શરૂ કર્યા છે. જેમની પાસે મોટી નોટો સંગ્રહાયેલી છે તેવા લોકો પોતાના વિશ્વાસુ લોકો મારફતે ગામડાંઓના ખેડૂત ખાતેદારોનો સંપર્ક કરી રહ્યા છે અને તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી રહ્યા છે. તો કેટલીક કંપનીઓ કર્મચારીઓનાં ખાતાંમાં એડવાન્સ પગાર પેટે પણ રકમ જમા કરાવી રહી છે. કાળું નાણું ફેરવનાર કેટલાક તો હાલ માર્કેટ પર વૉચ રાખીને તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે!

સરકારને આ જ્ઞાન પછીથી લાદ્યું!
મોટી ચલણી નોટો બંધ કરવાનું પગલું દેશ માટે આવકાર્ય હોવા છતાં રૂ.ર૦૦૦ની નોટ બહાર પાડવા અંગે આર્થિક ક્ષેત્રના તજજ્ઞો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે રૂ.ર૦૦૦ની નોટથી આવનારા સમયમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન પણ મળી શકે છે. સરકાર આ અંગે અનેક વિચારણા કરી શકે તેમાં બેમત નથી, પરંતુ આ એકાએકના નિર્ણયથી અરાજકતા ફેલાશે તેનો અંદાજ કદાચ સરકારને નહીં હોય. એટલે જ સરકારે પછીથી કેટલાક નિર્ણયો જાહેર કરવા પડ્યા હતા. સરકારની આ જાહેરાતની અસર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલનાકાઓ પર થઈ હતી. આથી જ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રણ દિવસ માટે દેશના તમામ ટોલનાકા પર ટોલટેક્સ ન વસૂલવા અપીલ કરવી પડી હતી.

જૂની નોટો બેંકોમાં ભરવા કે વટાવવા સરકારે પ૦ દિવસનો સમય આપ્યો છે. જોકે જે તેમાં સાત રવિવાર, ત્રણ શનિવાર (બીજો-ચોથો) અને ત્રણેક જાહેર રજા આવતી હોવાથી એટલા દિવસ ઓછા મળશે. આ પરિસ્થિતિ અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર ફરતાં થતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧ર-૧૩ નવેમ્બરે (બીજો શનિવાર-રવિવાર) કામકાજ ચાલુ રાખવા તમામ બેંકોને ફરજ પાડવી પડી હતી. ગુજરાત સરકારે પણ કેટલાંક નિર્ણયો લેવા પડ્યા હતા. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને કેસ ફી ન લેવા તાકીદ કરવી પડી હતી. સાથે જ આ દિવસો દરમિયાન સરકારી બિલો ભરવા માટેની નિયત સમયમર્યાદા ચુકાઈ જવાય તો દંડ ન વસૂલવાનો અને પછીથી બિલની રકમ પર વ્યાજ પણ ન વસૂલવાનો આદેશ આપવો પડ્યો હતો. તો ગુજરાત ટ્રાફિક પોલીસે પણ ત્રણ નિયમભંગ કરતાં વાહનચાલકો પાસે દંડ ન વસૂલવાનો આદેશ કર્યો હતો. આવી અનેક બાબતોમાં સરકારે પછીથી સંજોગોને આધિન આદેશો કરવા પડ્યા હતા.

You might also like