નોટબંધી અને કેટલીક મેટલ- કોમોડિટીના ભાવમાં ઉછાળાના પગલે Q-3નાં પરિણામો પ્રેશરમાં જોવાશે

મુંબઇ: નોટબંધી બાદ વૈશ્વિક બજારમાં કેટલીક મેટલ તથા કોમોડિટીના ભાવમાં જોવા મળેલા ઉછાળાને પગલે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળાનાં પરિણામો ઉપર પ્રેશર જોવાઇ શકે છે. ખાસ કરીને વૈશ્વિક ક્રૂડના ભાવમાં પાછલાં બે સપ્તાહમાં ૧૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. પેઇન્ટ, ટાયર અને કેમિકલ્સ કંપનીઓ ઉપર તેની સીધી અસર થશે. નોંધનીય છે કે પાછલા ડિસેમ્બર મહિનાની સરખામણીએ ક્રૂડની કિંમતોમાં ૫૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ સિમેન્ટ કંપનીઓ ઉપર પણ તેની નકારાત્મક અસર પડી છે. સિમેન્ટની માગને અભાવે કંપનીઓએ સિમેન્ટના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં ડિલરનાં વેચાણમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, જેથી કંપનીઓમાં સિમેન્ટનો ભરાવો વધ્યો છે.

એ જ પ્રમાણે નોટબંધીના કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપની, ઓટો કંપનીનાં વેચાણમાં પણ ઘટાડો નોંધાઇ શકે છે, જેના કારણે આ કંપનીઓના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના નફા ઉપર પ્રેશર જોવાશે. એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસના જણાવ્યા પ્રમાણે નોટબંધીના કારણે માગ ઘટી છે. આવા સંજોગોમાં ભાવમાં વધારો કરવાનું મુશ્કેલ છે, જેથી કંપનીઓ ઉપર આર્થિક બોજો વધશે.
http://sambhaavnews.com/

You might also like