રદ નોટો સામે ૧ કિલો સોનું વેચવા અાવેલો વેપારી પકડાયો

અમદાવાદ: સરકાર દ્વારા રદ થયેલી રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની જૂની નોટોના બદલે સોનું આપવા આવેલા ઉત્તર પ્રદેશના એક સોનીની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સોની પાસેથી એક કિલો સોનું કબજે કર્યું છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસને બાતમી મળી હતી કે માધવપુરા માર્કેટમાં આવેલી એક ઓફિસ શ્રીબ્રહ્માણી જોબવર્ક ગાર્મેન્ટમાં એક સોની સોનાના બદલામાં રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટો વટાવવા આવ્યો છે, જેના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડી રમેશ દુર્ગાપ્રસાદ યાદવ (રહે.ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશ)ને ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતાં તેની પાસેના થેલામાંથી એક કિલો સોનું મળ્યું હતું, જે બાબતે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ન્યુ રાણીપમાં રહેતા સુરેશભાઇને પોતે ફાર્માસ્યુટિકલનો વ્યવસાય કરતો હોઇ દિલ્હીના ફરિદાબાદ ખાતેના એક વેપારી કમલ ઉર્ફે સત્યેન્દ્ર સાથે ઓળખાણ થઇ હતી.

જેઓએ ૧૦ દિવસ પહેલાં ફોન કરી રદ થયેલી જૂની નોટોમાં સોનું આપે છે અને તેમને કમિશન મળશે કહી રમેશ યાદવ સાથે ઓળખાણ કરાવી હતી. હાલ પોલીસે રમેશ યાદવની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કે સોનું પોતાનું છે કે ચોરી અથવા છળકપટથી મેળવેલું છે?

You might also like