નોટબંધી પૂર્વે બેન્કમાં મોટી ડિપોઝિટની આઈટી વિભાગ તપાસ કરશે

મુંબઇ: નોટબંધીના એલાન પૂર્વે જે લોકોએ મોટી માત્રામાં રોકડ જમા કરી છે આવકવેરા વિભાગ આ રકમ જમા કરાવનારાઓની આવકના સોર્સની પણ તપાસ કરશે. આવકવેરા વિભાગ ૮ નવેમ્બર પહેલાં આ પ્રકારની બેન્કમાં રોકડ ડિપોઝિટ કરનારાઓની નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧થી અત્યાર સુધીના નાણાકીય વ્યવહારોની વિગતોની તપાસ કરશે. એટલું જ નહીં રહેઠાણની માર્ગદર્શિકા વેલ્યૂની સરખામણીમાં ઘણી નીચી ખરીદ કિંમત જાહેર કરનારા લોકોને પણ નોટિસ મોકલવામાં આવી રહી છે.

ટેક્સ અધિકારીઓને સંતોષકારક જવાબ નહીં મળે તો આવકવેરા વિભાગ દ્વારા રિએસેસમેન્ટનો આદેશ આપવામાં આવશે. આવકવેરા વિભાગ દ્વારા નોટબંધી બાદ ઓપરેશન ક્લીન મની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી કેશ િડપોઝિટના ઇ-વેરિફિકેશન માટે આવકવેરા વિભાગ ૧૮ લાખ લોકોની ઓળખ કરી ચૂક્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એવા લોકોને તથા યુનિટોને પકડવા માટે ડેટા એનાલિસિસનો સહારો લઇ રહ્યું છે, જેઓએ અગાઉ નિયમ મુજબ ટેક્સ જમા કરાવ્યો નથી. એટલું જ નહીં ૫.૫ લાખ લોકો પર ઓપરેશન ક્લીન મનીના બીજા તબક્કાના ભાગરૂપે આવકવેરા વિભાગ નજર રાખી રહ્યો છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ આવકવેરા કાયદાની કલમ-૧૪૭ અને ૧૪૮ અંતર્ગત એવી કોઇ પણ ટેક્સેબલ ઇન્કમનું એસેસમેન્ટ અથવા રિએસેસમેન્ટ કરી શકે છે.

You might also like