નોટબંધીના પ૦ દિવસ બાદ એક ટકા જ બ્લેક મની મળ્યું

નવી દિલ્હીઃ નોટબંધીના આવતી કાલે પ૦ દિવસ પૂરા થઈ રહ્યા છે ત્યારે સરકારને પ૦ દિવસ બાદ માત્ર એક ટકા જ કાળું નાણું મળ્યું છે. જ્યારે તેની સામે બેન્કમાં ૧૪ લાખ કરોડની રકમ જમા થઈ છે. સરકારે નોટબંધી કાળું નાણું બહાર લાવવા માટે જાહેર કરી હોવાનું જણાવ્યું હતું. એક અનુમાન મુજબ નોટબંધી પહેલાં દેશમાં ત્રણ લાખ કરોડનું કાળું નાણું હોવાનું જાણવા મળ્યું હતું.

સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી દેશભરમાંથી રૂ.૩૬૦૦ કરોડનું કાળું નાણું જપ્ત કરવામાં આવ્યું છે. તે રીતે પ૦ દિવસમાં માત્ર એક ટકા જ કાળું નાણું સરકારને મળ્યું છે. નોટબંધી પહેલાં રૂ.૧૭ લાખ કરોડની કરન્સી ચલણમાં હતી. નોટબંધી બાદ રૂ.૧પ.૪ લાખ કરોડ ચલણમાંથી બહાર થઈ ગયું છે. કોટક સિક્યુરિટી અને રેટિંગના અનુમાન મુજબ રૂ.૧૭ લાખ કરોડમાંથી ત્રણ લાખ કરોડનું કાળું નાણું હતું ત્યારે આશા હતી કે સરકાર મોટાપાયે બ્લેકમની જપ્ત કરી લેશે. આવકવેરા વિભાગે નોટબંધી બાદ ૬૭૮ દરોડા પાડ્યા હતા. આ દરોડાને કારણે રૂ.૩૬૦૦ કરોડનું જ કાળું નાણું જપ્ત કરી શકાયું છે.

નોટબંધી પહેલાં રૂ.૧પ.૪ લાખ કરોડની કરન્સી સર્ક્યુલેશનમાંથી બહાર આવી હતી અને હવે રૂ.૧૪ લાખ કરોડ બેન્કમાં ડિપોઝિટ તરીકે અથવા નોટો બદલાવવાની રીતે જમા થઈ ગયા છે. બીજી તરફ નોટબંધી બાદ પ૦ દિવસમાં સરકારે ૬૪ વખત જાહેરનામું બહાર પાડ્યું હતું. આ ઉપરાંત અનેક નિયમમાં પણ ફેરફાર થયો હતો તેના કારણે લોકોની મુસીબતમાં વધારો થયો હતો. આ ઉપરાંત આઈટી વિભાગે આ પ૦ દિવસ દરમિયાન ૩પ૦૦ નોટિસ પાઠવી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેકટ ટેકસેસ(સીબીડીટી)એ જણાવ્યું હતું. આવી નોટિસ બેન્કમાં જમા કરાવવામાં આવેલી રકમના આધારે જારી કરવામાં આવી હતી. સરકારના આવા પ્રયાસો છતા માત્ર એક ટકા જ કાળું નાણું પકડાતાં સરકારે જાહેર કરેલી નોટબંધીનું કોઈ સકારાત્મક પરિણામ મળ્યું ન હોય તેમ લાગે છે.

http://sambhaavnews.com/

You might also like