નોટબંધીની અસરથી બેન્કોને વ્યાજ દર ઘટાડવા પડશે

નવી દિલ્હી: નોટબંધી બાદ આગામી દિવસોમાં હવે બેન્કોને તેમના તરફથી આપવામાં આવતી વિવિધ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરવો પડશે. છેલ્લાં બે ‍વર્ષથી વ્યાજદર ઘટાડવા આનાકાની કરનારી બેન્કોએ હવે ફરજિયાત વ્યાજદર ઘટાડવા પડશે. નોટબંધીના ૧૩ દિવસ બાદ તમામ બેન્કોમાં જમા થયેલી રકમમાં અનેકગણો વધારો થયો છે. તેથી સરકાર હવે ગ્રાહકોને ઓછા વ્યાજદરથી લોન આપીને તેનો લાભ ગ્રાહકોને આપવા માગે છે અને આ માટે સરકારે તમામ સરકારી બેન્કોને હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં ઘટાડો કરવા આદેશ આપ્યો છે.

નાણાં મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ફંડનો ખર્ચ વધુ હોવાના કારણે બેન્કો લોન સસ્તી કરતી ન હતી, પરંતુ હવે બેન્કો પાસે મોટી માત્રામાં રકમ જમા થઈ ગઈ છે. તેથી હવે તેમનું આવું કારણ ધ્યાનમાં લેવામાં નહિ આવે. નોટબંધી બાદ બેન્કોમાં ૫.૧૧ લાખ કરોડની રકમ જમા થઈ છે અને તેના પર બેન્કોને માત્ર ચાર ટકા જ વ્યાજ ચૂકવવાનું છે અને તેના પર જો ત્રણ ટકાનો ખર્ચ જોડી દેવામાં આવે તો પણ બેન્કને નુકસાન થવાનું નથી. જાન્યુઆરી-૨૦૧૫થી ઓક્ટોબર-૨૦૧૬ વચ્ચેના રેપો રેટ (વ્યાજદરને નક્કી કરવાનો આધાર)માં ૧.૭૫ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ દરમિયાન લોનના વ્યાજદરમાં બેન્કોએ ગ્રાહકોને માત્ર ૦.૬૦ ટકાના ઘટાડાનો જ લાભ આપ્યો છે, જેથી આ બાબતે નાણાં મંત્રાલય અને આરબીઆઈએ નારાજગી પણ વ્યક્ત કરી છે.

home

You might also like