નોટો રદ કરવાના પગલાંની રાજકીય અસરો કેવી હશે?

કાળાં નાણાં પર નરેન્દ્ર મોદી સરકારના સર્જિકલ સ્ટ્રાઈકના પગલાંની અસરથી હજુ વિપક્ષી નેતાઓને કળ વળી નથી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પાંચ દિવસ પછી વડા પ્રધાનને ભૂલ કબૂલ કરીને પાંચસો અને હજારની નોટો રદ કરવાના નિર્ણયને પાછો ખેંચી લેવાની અપીલ કરે ત્યારે તેઓ તેમની જાતને બાલિશ અને હાસ્યાસ્પદ પુરવાર કરે છે. આ નિર્ણયના અમલમાં સરકાર કેટલી આગળ વધી ગઈ છે અને સામાન્ય નાગરિક તકલીફો વેઠવા છતાં સરકારના સમર્થનમાં અભિપ્રાય આપે છે તેનાથી તેઓ અજાણ હોઈ શકે!? મોદી તેમના નિર્ણયોમાં કેટલા મક્કમ હોય છે તેનું આકલન કરવામાં મોટા ભાગના રાજકીય નેતાઓ નિષ્ફળ નિવડ્યા છે, તેનું આ ઉદાહરણ છે.

મજાની વાત એ છે કે ધનપતિઓ ઉપરાંત સરકારના આ પગલાંથી સૌથી વધુ વેદના રાજકીય પક્ષો અને તેમના નેતોઓને થઈ છે અને આ વેદના સામાન્ય માનવીના નામે કરાતાં નિવેદનોમાં વ્યક્ત થઈ રહી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોમાં આગામી વર્ષે આવી રહેલી ચૂંટણીની રાજકીય પક્ષો દ્વારા કરાઈ રહેલી આગોતરી આર્થિક તૈયારીઓ પર તેની વ્યાપક પ્રમાણમાં વિપરીત અસર થઈ ચૂકી છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને ઠંડીની સિઝનમાં પરસેવો છૂટી ગયો છે. ખુદ ભાજપ અને કોંગ્રેસ પણ આવી અસરમાંથી મુક્ત રહ્યા નથી. કોઈ એમ સમજતું હોય કે ભાજપને તેની આગોતરી જાણ હશે તેથી તેને અસર નહીં થાય, તો એમ માની લેવું એ એક ભ્રમણા છે.

ભાજપ પ્રમુખ અમિત શાહને સરકારની આવી વિચારણાની ખબર સુધ્ધાં ન હતી. મોદીને જાણનારાઓ સમજે છે કે તેઓ તેમની કામગીરીમાં આવાં કોઈ છિદ્રો સર્જાવા દેતા નથી. આ બાબતમાં અરુણ જેટલીનો રેકૉર્ડ પણ આ પગલાંની ગુપ્તતાથી ઘણો ઊંચે ગયો છે. આમ પણ જેટલી સરેરાશ રાજકારણીઓથી અલગ સ્તરના નેતા ગણાય છે. લગભગ છ મહિના કરતાં પણ વધુ સમય પહેલાંથી જે યોજનાની વિચારણા શરૂ થઈ ગઈ હતી તેને વિશે જેટલીનાં પત્નીને પણ ગંધ સુધ્ધાં આવી ન હતી. સરકારના મુઠ્ઠીભર લોકોને જ સમગ્ર યોજનાની જાણ હતી. એ સિવાયના આ પ્રક્રિયા સાથે સંકળાયેલા બાકીના લોકોને તેમના કામ પૂરતી મર્યાદિત માહિતી હતી. તેના આધારે તેઓ સરકારની મૂળ યોજનાની કલ્પના પણ કરી શકે તેમ ન હતા.

મંગળવાર આઠમી નવેમ્બરની રાત્રે આઠ વાગ્યા પહેલાંના કલાકમાં જ કાનૂન મંત્રાલય અને રિઝર્વ બેંકના બોર્ડની મંજૂરી મેળવાઈ હતી, એ વખતે એ બધાને વડા પ્રધાનના પ્રવચન સુધી કાનૂન મંત્રાલયમાં જ બેસાડી રખાયા હતા અને આઈબીની નજર હેઠળ સૌ હતા. કેબિનેટની બેઠક પહેલાં રિઝર્વ બેંકના બોર્ડની મંજૂરી અને કેબિનેટની બેઠક પછી વડા પ્રધાનની સાર્વજનિક જાહેરાત પહેલાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને જાણ કરવાની પ્રક્રિયા આટોપવામાં આવી હતી.

અલબત્ત, આ બધી આખરી પ્રક્રિયા પહેલાં પાંચસો અને બે હજાર રૂપિયાની નવી ચલણી નોટો છાપવાની કામગીરી સપ્ટેમ્બરના આરંભે રિઝર્વ બેંકના નવા ગવર્નર ઉર્જિત પટેલે કાર્યભાર સંભાળ્યા પછી તુરત શરૂ કરી દેવામાં આવી હતી. એ માટે સ્વિટ્ઝર્લેન્ડની ‘કેબીએ ગિઓરી’ કંપની પાસેથી નોટના પ્રિન્ટિંગ માટે નવાં ઉપકરણો મગાવવામાં આવ્યાં હતાં. આ કંપની પહેલાં ‘દલારૂઈ ગિઓરી’ નામે ઓળખાતી હતી. આ નવાં ઉપકરણો દ્વારા મૈસૂર ખાતેના રિઝર્વ બેંકના પ્રિન્ટિંગ પ્રેસમાં પાંચસો અને બે હજારની ચલણી નોટો છાપવાનું શરૂ કરાયું હતું. એ માટેનો ખાસ પ્રકારનો કાગળ ઇટલી, જર્મની અને બ્રિટનથી આયાત કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિના દરમિયાન આ બંને મૂલ્યની ૪૮૦૦ લાખ નોટો છપાઇને આવી ગઇ હતી.

જૂની નોટો રદ કરવા પાછળનો સરકારનો ઇરાદો અને ઉદ્દેશ માત્ર કાળાં નાણાંની નાબૂદીનો જ નહીં તો ભારતના અર્થતંત્રને મજબૂત કરવા ચલણમાંથી નકલી નોટોને નાબૂદ કરવા ઉપરાંત ત્રાસવાદ માટે મળતા ભંડોળ પર બ્રેક મારવાનો પણ આશય છે. માહિતી તો એવી પણ મળે છે કે નવી નોટોને લોકો સુધી પહોંચાડવાની કામગીરી પૂર્ણ થયા બાદ ૨૦૧૭ની સાલમાં સરકાર રૂપિયા એકસો અને પચાસના મૂલ્યની નવી નોટો પણ છાપશે. અલબત્ત, આ કિંમતની જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે. આ બધી કામગીરી માટે સ્વિટ્ઝર્લેન્ડની કેબીએ ગિઓરી કંપનીને મધ્યપ્રદેશના દેવાસ, મહારાષ્ટ્રના નાસિક અને પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના સાલબનીમાં કરન્સી નોટો છાપવા માટેના આધુનિક મિંટ પ્રેસ નાખવામાં મદદ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. અત્યારે એકલા મૈસૂરના પ્રેસમાંથી જ આપણી જરૂરિયાતની લગભગ ૭૦ ટકા નોટો છપાય છે.

સરકાર એવું માને છે કે દેશમાં હાલ લગભગ રૂ.૧૪ લાખ કરોડનું કાળું નાણું છે અને સરકારના નોટો રદ કરવાના પગલાંને કારણે તેમાંથી રૂ.નવ લાખ કરોડનું કાળું નાણું બૅન્કોમાં પાછું આવશે. ૩૧ ડિસેમ્બર પછી લોકો રિઝર્વ બૅન્કમાં કાળું નાણું જમા કરાવી બસો ટકાની પૅનલ્ટી ભરી જાહેર કરી શકશે. તેના માટે માર્ચ મહિના સુધીની છૂટ અપાશે. એ પછી સરકાર આવકવેરા કાનૂન અંતર્ગત કાળાં નાણાં ધરાવનારાઓ સામે કડક પગલાં લેશે. આ કાયદામાં સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ છે. વિરોધ પક્ષોને એવી દહેશત છે કે મોદી સરકાર રાજકીય સ્કોર સેટલ કરવા આ કાયદાનો ઉપયોગ કરશે. વિપક્ષી નેતાઓની કાગારોળનું આ પણ એક કારણ છે.

વડા પ્રધાન મોટી નોટોને ચલણમાંથી રદ કરવાની જાહેરાત કર્યાના બીજા દિવસે જાપાનના પ્રવાસે ગયા હતા. એ પછી ભાજપ પ્રમુખ અમિત શાહે પત્રકારોને ઔપચારિક ચર્ચા માટે બોલાવ્યા હતા. એ વખતે એક પત્રકારે તેમને કહ્યું હતું કે, “રાહુલ ગાંધી તો સરકારના પગલાંની ટીકા કરે છે?” ત્યારે અમિત શાહે કહ્યું હતું કે, “જાવ, પહેલાં રાહુલ ગાંધીને સમજદારીનું ઇન્જેક્શન આપી આવો.”

દરમિયાન ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સત્તાના દાવેદાર બહુજન સમાજ પાર્ટીના સર્વેસર્વા પક્ષના જાહેર કરેલા ઉમેદવારોને વારાફરતી બોલાવીને એવું કહી રહ્યા છે કે તેઓ પક્ષને આપેલા ભંડોળની રકમ પાછી લઇ જાય અને નવી ચલણી નોટોમાં એ પાછું આપે. આ આદેશથી પક્ષમાં સોપો પડી ગયો છે. કહેવાય છે કે અનેક ઉમેદવારોની ટિકિટ રદ કરીને નવેસરથી ભંડોળ આપનારાઓને ટિકિટ અપાય એવી શક્યતા છે. એવું કોઇને માટે શક્ય બનશે ખરું !?

You might also like