નોટબંધીથી દેશના GDPમાં ઘટાડો થઈ શકે છેઃ નિષ્ણાતો

મુંબઈ: કેન્દ્ર સરકારે રૂ.૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ બંધ કરવાના કારણે દેશમાં જીડીપીમાં અર્ધા ટકાથી એક ટકાનો ઘટાડો થઈ શકવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. એચએસબીસીના અહેવાલમાં જણાવાયું હતું કે નોટબંધ થવાના કારણે આગામી બાર મહિનામાં દેશમાં જીડીપીમાં એક ટકાનો ઘટાડો થઈ શકે છે. જ્યારે લાંબા સમયગાળે નોટબંધીનો આ લાભ કેટલો થશે તે સુધારા પર નિર્ભર રહેશે.

વૈશ્વિક નાણાકીય સેવાઓ પૂરી પાડતી એચએસબીસીના એક અહેવાલ મુજબ સરકારે રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટ બંધ કરતાં તેનો ટૂંકા સમયગાળામાં ક્યાંય લાભ થશે તો ક્યાંક નુકસાન પણ થશે. રિપોર્ટમાં જણાવ્યું હતું કે નોટબંધીથી જીડીપીમાં ૦.૭ ટકાથી એક ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. નોટબંધીની સાથે સાથે સરકાર ઝડપથી સુધારા કરશે તો દેશને તેનો ફાયદો થશે. સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને પગલે દેશભરમાં વ્યાપક પ્રમાણમાં તેની અસર જોવા મળી રહી છે. લોકો મોટાં પ્રમાણમાં રોકડ જમા કરાવવા આગળ આવી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેન્કમાં અત્યાર સુધીમાં રૂ.૩૨ હજાર કરોડથી વધુ રકમ જમા થઈ છે.

દરમિયાન કેર રેટિંગ્સના જણાવ્યા પ્રમાણે નોટબંધીને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં ૦.૩ ટકાથી ૦.૫ ટકા સુધીનો ઘટાડો જોવાઈ શકે છે. એજન્સીના મત મુજબ જુદા જુદા કારોબારી સેક્ટરમાં તેની સીધી નકારાત્મક અસર જોવાઈ શકે છે. સર્વિસ અને મેન્યુફેકચરિંગ સેકટરને સૌથી વધુ અસર થશે. જોકે એજન્સીના મત મુજબ બેન્કિંગ સેક્ટર માટે નોટબંધીની સકારાત્મક અસર થશે.

You might also like