નિર્માતા બનવાનું વિચાર્યું ન હતું

મુંબઇઃ  ઇરફાન ખાને તેના અભિનયથી દર્શકોનાં દિલ જીત્યાં છે. હવે અભિનયની સાથે-સાથે તેનું અન્ય એક રૂપ પણ દર્શકોની સામે અાવશે અને તે છે નિર્માતાનું રૂપ. ઇરફાન ખાન હવે નિર્માતા બની ગયો છે. નિર્માતા તરીકેની તેની પહેલી ફિલ્મ ‘મદારી’ ટૂંક સમયમાં પ્રદર્શિત થશે. ‘મદારી’ ફિલ્મ અંગે વાત કરતાં ઇરફાન કહે છે કે અા અેક પાવરફુલ થ્રિલર ફિલ્મ છે. તમને અા ફિલ્મમાં ઘણા શેડ્સ જોવા મળશે.
ફિલ્મ અંગે વધુ તો નહીં કહું, પરંતુ એટલું જરૂર કહીશ કે અા ફિલ્મ અાપણી રિયલ લાઈફ પર અાધારિત છે. અાપણી અાખી જિંદગી અા બધાની પાછળ નીકળી જાય છે, પરંતુ અાપણે સમજી શકતાં નથી કે અાપણને કોણ નચાવી રહ્યું છે. કંઈક અા જ પ્રકારની અા ફિલ્મની કહાણી છે. ફિલ્મનું શીર્ષક તમે જોઈ રહ્યા છો, પરંતુ ફિલ્મ જોયા બાદ તેનો મતલબ પણ સમજાઈ જશે. ફિલ્મમાં ઇરફાન નિર્મલ નામનું પાત્ર ભજવી રહ્યો છે, જે એક સામાન્ય વ્યક્તિ છે અને સીધીસાદી રીતે જિંદગી જીવવા ઇચ્છે છે, પરંતુ તેના જીવનમાં અચાનક એવું તોફાન અાવે છે કે તે હચમચી જાય છે. અા ફિલ્મ પિતા-પુત્રના ઇમોશનલ સંબંધોને દર્શાવે છે.
ઇરફાનના મનમાં ફિલ્મ નિર્માતા બનવાનો ખ્યાલ કેવી રીતે અાવ્યો તે અંગે વાત કરતાં તે કહે છે કે મેં અગાઉ ક્યારેય ફિલ્મ નિર્માતા બનવાનું વિચાર્યું ન હતું, કેમ કે હું મારી અભિનયની દુનિયામાં મસ્ત રહેતો હતો, પરંતુ જ્યારે મેં અા ફિલ્મની કહાણી સાંભળી ત્યારે હું ખૂબ જ પ્રભાવિત થયો અને ખુદને અા ફિલ્મનો ભાગ બનતાં રોકી ન શક્યો. અા ફિલ્મ દર્શકોને અાકર્ષવામાં ૧૦૦ ટકા સફળ થશે. બસ, અા જ રીતે ફિલ્મની કહાણીઅે મને અભિનેતાની સાથે નિર્માતા બનાવી દીધો.

You might also like