Madhya Pradeshમાં બસપા એકલા હાથે તમામ 230 બેઠક પર લડશે ચૂંટણી

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં ભાજપ વિરુદ્ધ વિરોધ પક્ષની એકતાને બસપાએ મોટો ફટકો આપ્યો છે. બસપાએ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની વાતને ફગાવી દીધી છે. બસપા પોતાની એકલાની તાકાત પર તમામ ૨૩૦ બેઠક પર ચૂંટણી લડશે. બીજી બાજુ કોંગ્રેસ હજુ પણ બસપા સાથે ગઠબંધનની આશા રાખીને બેઠી છે.

કોંગ્રેસના પ્રવકતા માનવ અગ્રવાલે જણાવ્યું છે કે હજુ પણ ચૂંટણીમાં ગઠબંધન કરવાની તક છે. અમે સમાન વિચારસરણી ધરાવતા તમામ પક્ષોને સાથે લઈને ચાલવા ઈચ્છીએ છીએ. મધ્ય પ્રદેશના બસપાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ અહીરવારે જણાવ્યું હતું કે મને મીડિયા દ્વારા ખબર પડી છે કે કોંગ્રેસ નેતા એવું કહી રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણી માટે બસપા સાથે ગઠબંધન માટે કોંગ્રેસની વાતચીત ચાલી રહી છે.

હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે મધ્યપ્રદેશમાં બસપા સાથે ગઠબંધન અંગે રાજ્યસ્તરે અમારી કોઈ વાતચીત ચાલતી નથી અને મને ખબર છે ત્યાં સુધી કેન્દ્રીય સ્તરે પણ આવી કોઈ વાતચીત ચાલી રહી નથી.

અહીરવારે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા અંગે મને કેન્દ્રીય નેતાગીરી તરફથી કોઈ સૂચના મળી નથી. તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યની તમામ ૨૩૦ બેઠક પર એકલા હાથે ચૂંટણી લડીશું.a

You might also like