૧૦૯૬ઃ જિંદગી હેલ્પલાઇનને જિંદગીની જરૂર

અમદાવાદ: હેલો ફાયર બ્રિગેડ.. હેલ્લો પોલીસ… સરદાર બ્રિજ પરથી કોઇ નદીમાં પડયું છે. આવા મેસેજ હવે દરરોજના પાંચેક જેટલા ફાયર બ્રિગેડ તેમજ પોલીસને મળી રહ્યા છે. સાબરમતી નદી પર આવેલા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાના બનાવો વધ્યા છે. શહેરમાં આત્મહત્યાના બનાવો રોકવા માટે ર૦૧૪માં શહેર પોલીસ દ્વારા ‘૧૦૯૬ જિંદગી હેલ્પલાઇન’ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ હેલ્પલાઇનને હવે જિંદગીની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.

આત્મહત્યાના બનાવોને જોતાં કોઇ પણ વ્યકિતને આ હેલ્પલાઇન વિશેે જાણકારી નથી. આ ઉપરાંત પોલીસ દ્વારા હેલ્પલાઇન બાબતે ખાસ પ્રમોશન અથવા અગત્યતા અપાઇ નથી જેથી આત્મહત્યાના બનાવો રોકવામાં પોલીસ નિષ્ફળ નીવડી રહી છે.

માનસિક રીતે હતાશ વ્યકિત પોતાની જિંદગીને સાબરમતી નદીમાં કૂદીને અથવા ગળાફાંસો ખાઇને પૂર્ણ કરવાનું વિચારે છે. જેથી આવા આત્મહત્યાના બનાવોને અટકાવવા શહેર પોલીસ દ્વારા ર૦૧૪માં ૧૦૯૬ નંબરની જિંદગી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસ દ્વારા આ હેલ્પલાઇન બાબતે શહેરમાં હોર્ડિંગ્સ લગાવીને તેનું પ્રમોશન કરાયું હતું આને કારણે તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ છેલ્લાં એકાદ વર્ષથી આ હેલ્પલાઇન મૃતઃપ્રાય બની ગઇ છે. આ નંબર પર માત્ર રોંગ નંબર, મિસકોલ અને બિભત્સ વાતોના ફોન આવે છે, એટલું જ નહીં પોલીસ દ્વારા શરૂ કરાયેલ આ હેલ્પલાઇનના મેનેજમેન્ટમાં પણ ખામી ઊભી થઇ છે. કંટ્રોલ રૂમના નંબર પણ ૧૦૯૬ના નંબર સાથે જોડી દેવાના કંટ્રોલ રૂમમાં આવતા ફોન ત્યાં આવે છે. રોજના ૩૦ જેટલા કોલ આ હેલ્પલાઇન પર આવે છે, પરંતુ તેમાંથી માત્ર બે કે ચાર જ ફોન કામના હોય છે. બાકી રોંગ નંબર અને ટાઇમ પાસના હોય છે.

ફાયર બ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ દરરોજ બેથી ત્રણ લોકો બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરતા હોય છે. જેમાંથી કેટલાકને બચાવી લેવાય છે તો કેટલાકની લાશ મળે છે. શહેરના તમામ બ્રિજની સમભાવ મેટ્રોના પ્રતિનિધિએ મુલાકાત લીધી તો એક પણ બ્રિજ પર ૧૦૯૬નું જિંદગી હેલ્પલાઇનનું બોર્ડ લાગેલું જોવા મળ્યું નહોતું. જેના પરથી સ્પષ્ટ જણાય છે કે પોલીસ આવા બ્રિજ પરથી જે લોકો કૂદીને આત્મહત્યા કરે છે તેને રોકવા માટે રસ ધરાવતી નથી. ૧૦૯૬ જિંદગી હેલ્પલાઇનને વધુ સારી બનાવીને શહેરમાં બની રહેલા આત્મહત્યાના બનાવોને રોકવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ નિઃરસતા દર્શાવી રહ્યા છે. જો પોલીસ ૧૦૯૬ જિંદગી હેલ્પલાઇનના હોર્ડિંગ્સ બ્રિજ અને શહેરમાં લગાવી તેનું પ્રમોશન કરે તો કદાચ કોઇ વ્યકિત પોતાની જિંદગી ખોવાનો વિચાર માંડી વાળી નવેસરથી જિંદગીની શરૂઆત કરી શકે અને આત્મહત્યાના બનાવોમાં પણ ઘટાડો થઇ શકે.

You might also like