‘સની લિયોનને આમંત્રણ એટલે શહેરની સંસ્કૃતિ પર હુમલો’

બેંગલુરુ: કર્ણાટક સરકારે ગઇ કાલે નિર્ણય લીધો છે કે બોલિવૂડની બેબી ડોલ સની લિયોનને અહીં તેમજ રાજ્યમાં ક્યાંય પણ નવા વર્ષની પૂર્વસંધ્યા પર કાર્યક્રમ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કન્નડ સંગઠનોના વિરોધના કારણે આ નિર્ણય લેવાયો છે.

કર્ણાટક રક્ષા વેદીકે અને કેટલાંક અન્ય સંગઠન ૩૧ ડિસેમ્બરના પ્રસ્તાવિત કાર્યક્રમનો વિરોધ કરી રહ્યાં હતાં. તેમનો આક્ષેપ છે કે સની લિયોનને આમંત્રિત કરવી શહેરની સંસ્કૃતિ પર હુમલો હશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી કર્ણાટક રક્ષા વેદીકે (કેઆરવી)ના સભ્યો શહેરમાં પ્રદર્શન કરી રહ્યા છે અને રેલીઓ કાઢી રહ્યા છે તેમજ સની લિયોનનાં પૂતળાં બાળવામાં આવી રહ્યાં છે.

કર્ણાટકના ગૃહપ્રધાન રામલિંગ રેડ્ડીએ જણાવ્યું કે મેં અધિકારીઓને આવા કાર્યક્રમોની પરવાનગી નહીં આપવાના આદેશ કર્યા છે. સની લિયોનને અહીં ન લાવો.

ગૃહપ્રધાને એમ પણ કહ્યું કે આયોજકોને કન્નડ સંસ્કૃતિ અને સાહિત્ય સાથે જોડાયેલા કાર્યક્રમો આયોજિત કરવા દો તે આપણો વારસો છે. કેઆરવી અધિકારી હરીશે સરકારના ફેંસલાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આપણા માટે આ એક જીત છે. સરકારે કાર્યક્રમ રદ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ બોલિવૂડ અભિનેત્રી સની લિયોન એક એડ્ને લઇ વિવાદમાં ફસાઇ ચૂકી છે. તેના પર કલ્ચર વેલ્યૂઝને સંક્રમિત કરવાનો આક્ષેપ લગાવતાં કેન્દ્ર સરકારે ફરિયાદ કરી હતી.

ગુજરાતમાં કેટલીક જગ્યાએ મેનફોર્સ તરફથી નવરાત્રિની શુભકામનાવાળાં હોર્ડિંગ્સ લગાવાયાં હતાં. કેટલાંક સંગઠનોએ તાત્કાલિક સની લિયોનના ફોટોવાળાં હોર્ડિંગ્સ હટાવવાની માગણી કરી હતી. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનને ફરિયાદની ચિઠ્ઠી પણ લખાઇ હતી.

You might also like