પાલનપુર જીઆઈડીસીની ૧૪ હેકટર જમીનમાં એક પણ મોટો ઉદ્યોગ નથી

પાલનપુર: પાલનપુર ખાતે કોઝી વિસ્તારમાં ૧૪ હેકટર જમીનમાં પથરાયેલી જીઆઇડીસીમાં ૯૫ પ્લોટ અને શેડ બનાવાયા છે. ૧૯૭૦માં સ્થાપિત આ જીઆઇડીસીમાં અત્યાર સુધીમાં એકપણ મોટો ઉદ્યોગ સ્થપાયો નથી. જે નાના ઉદ્યોગ હતા તે પણ મૃતપાય સ્થિતિમાં આવી ગયા છે. હવે તો સરકાર જીઆઇડીસીને કોમર્શિયલ કરે તેવી વેપારીઓની માંગણી છે. પાલનપુર ખાતે ૪૫ વર્ષ અગાઉ ૧૯૭૦ માં જીઆઇડીસીની સ્થાપના કરાઇ હતી. જો કે, તે વખતે જમીનના બજાર ભાવ કરતાં ઉંચી કિંમતે ૯૫ જેટલા પ્લોટ અને શેડ વેપારીઓએ રાખ્યા હતા. મુખ્યત્વે હિરાના કારખાના, લોખંડ, લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ વિકસ્યો હતો.

જો કે વર્તમાન સમયે મંદીના કારણે હિરા ઉદ્યોગ પડી ભાગ્યો છે. કારખાના બંધ છે. માત્ર લોખંડના કારખાના, લાકડાના ફર્નિચરના કારખાના ચાલી રહ્યા છે. ૨૫ થી ૩૦ ટકા પ્લોટની આગળ કોમર્શિયલ દુકાનો બની ગઇ છે. જેમાં દુકાનોમાં વેચાતી નાના બાળકોની ખાદ્યસામગ્રી બનાવવામાં આવી રહી છે. જીઆઇડીસીના પહોળા રસ્તા ઉપર બહારથી આવતાં લોકો પોતાના વાહનોપાર્ક કરતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આવી અસંખ્ય મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલા વેપારીઓ જીઆઇડીસીને કોમર્શિયલ બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

જીઆઇડીસીના વેપારીઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, ધંધામાં મંદી ચાલી રહી છે. બીજીતરફ જીઆઇડીસી અને નગરપાલિકાનો વેરો ભરીએ છીએ. જેમાં પણ પાલિકાના શાસકો દ્વારા જીઆઇડીસી પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. હવે વહીવટદાર આવે તો જ સફાઇ, રસ્તાની સમસ્યાનો અંત આવશે.

અન્ય શહેરોમાં કાર્યરત જીઆઇડીસી ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે. જયારે પાલનપુર જીઆઇડીસી ફરતે નથી. તમામ માર્ગ ખુલ્લા હોવાથી રખડતાં પશુઓ બહારથી આવતાં વાહનચાલકોને અગવડતાં સર્જાય છે. ૪૫ વર્ષ અગાઉ સરકાર જીઆઇડીસીમાં હપ્તાથી જમીન આપી હતી. લોન, વીજળી, પાણીની સુવિધાથી આકર્ષાઇને વેપારીઓએ જમીન ખરીદી હતી. પરંતુ પ્રદૂષણ સહિતના કારણે મોટા ઉદ્યોગો ન વિકસી શકતાં વેપારીઓને નુકસાન થયું છે. હવે જો સરકાર નિયમમાં ફેરફાર કરી ઇમ્પેકટ ફી લઇને જીઆઇડીસીને કોમર્શિયલ બનાવે તો વેપારીઓ તેમજ સરકારને આર્થિક ફાયદો થાય તેમ છે. તેમ   જીઆઇડીસી એસો.પ્રમુખે જણાવ્યું હતુ.

You might also like