ઉત્તર – પશ્વિમ દિલ્હીમાં યોગ દિવસે વરસાદઃ લોકોને ગરમીથી રાહત

નવી દિલ્હી: દેશભરમાં આજે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દિલ્હીના ઉત્તર અને પશ્વિમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદ થતાં આ વિસ્તારમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. જોકે વરસાદ બંધ થઈ જતા યોગના કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો.

દિલ્હીમાં આજે યોગ દિવસની ઉજવણી વચ્ચે જ સવારે હવામાનમાં એકાએક પલટો આવતાં હળવો વરસાદ થતાં ગઈ કાલ રાત સુધી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકોએ રાહત અનુભવી હતી. જોકે થોડા સમય બાદ વરસાદ બંધ થઈ જતા શહેરમાં યોજાનારા યોગ કાર્યક્રમ પર કોઈ જ અસર થઈ નથી.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ-પશ્વિમ મોન્સૂનની ગતિ કમજોર પડી ગઈ છે તેથી ઉત્તર ભારતમાં હજુ થોડા દિવસ ગરમી પડશે.જોકે આગામી પાંચ કે છ દિવસમાં ફરી મોનસૂન સક્રિય થઈ જાય તેવી સંભાવના પણ હવામાન વિભાગે વ્યકત કરી છે.

આ ઉપરાંત દેશના દક્ષિણ વિસ્તાર સહિત ઉત્તર પૂર્વ અને પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે હિમાચલ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારમાં આંધી તોફાન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે.

You might also like