ઉત્તર મેક્સિકોની જેલમાં ખૂની ખેલ ખેલાતાં ૧૬ લોકોનાં મોત

વોશિંગ્ટન: ઉત્તર મેક્સિકોના ન્યૂવો લિયોન પ્રાંતની એક જેલમાં કેદીઓનાં બે જૂથ વચ્ચે ખેલાયેલા લોહિયાળ જંગમાં ૧૬ લોકોનાં મોત થયાં છે, જેના કારણે જેલમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

આ અંગે જેલના સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે શહેરની બહાર આવેલા વિસ્તારની કેડે‌િરટા જેલમાં ગઈ કાલે મોડી રાતે કેદીઓનાં બે જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ હતી. બનાવની જાણ થતાં કેદીઓનાં પરિવારજનો જેલ પહોંચી ગયા હતા, જેના કારણે રાતે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મોડી રાતે જેલમાં બનેલી આ ઘટનાથી ભારે તંગદિલી જોવા મળી હતી. કેદીઓનાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં એકનું મોત થતાં મામલો વધુ બીચકયો હતો. કેદીઓને રોકવા ગયેલા સુરક્ષા કર્મચારીઓને બંધક બનાવી દેવામા આવ્યા હતા, જેના કારણે મામલો વધુ તંગ બનતાં કેદીઓને કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી હતી. તેમ છતાં કેદીઓ કાબૂમાં આવ્યા ન હતા અને લગભગ રપ૦ જેટલા કેદીઓ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી મારામારીથી કુલ ૧૬ લોકોનાં મોત થતાં પરિસ્થિતિ વધુ તંગદિલીભરી બનતાં સુરક્ષાકર્મીઓ અને પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

આ મારામારીમાં આઠ લોકોને ગંભીર ઈજા થઈ છે, નશીલા પદાર્થોની હેરાફેરી, માનવ તસ્કરી, ઈંધણ ચોરી, અપહરણ જેવી બાબતોને લઈ મેક્સિકોની આ જેલમાં રહેલા કેદીઓનાં બે જૂથ વચ્ચે વિવાદ થતાં મારામારી થઈ હતી.

You might also like