કોલસાની ખાણોમાં કામ કરશે ઓલમ્પિકમાં નહીં જીતનાર ખેલાડી

પ્યોંગયાંગ: પોતાના ખરાબ સ્વભાવના કારણે જાણીતા ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે રિયો ઓલમ્પિક માટે પોતાના ખેલાડીઓને 5 ગોલ્ડ સહિત 17 મેડલ જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો. અને આ સાથે ઓછા મેડલ આવવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતાવણી આપી હતી.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની ચેતાવણી પછી પણ ઉત્તર કોરિયાની ઓલમ્પિક ટીમે 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત ફક્ત સાત જ મેડલ જીતી શકી છે. આ કારણે સ્વદેશ પરત આવેલી ઓલિમ્પિક ટીમને તેમનું જીવન નર્ક બની જવાની ચિંતા સતાવી રહી છે.

અખબારી અહેવાલ મુજબ મેડલ જીતનારા ખેલાડીઓને સારા ઘરો ઉપરાંત વધુ સારું કરિયાણું, કાર અને અન્ય ગિફ્ટ આપવામાં આવશે. જ્યારે મેડલ નહીં જીતનારા ખેલાડીઓને શિક્ષા કરાશે. હારીને આવેલા ખેલાડીઓને ખંડેર ઘરોમાં ખસેડવામાં આવશે. તેમના કરિયાણામાં કાપ મૂકાશે. આ ઉપરાંત શિક્ષાના ભાગરૂપે કામ માટે તેમને કોલસાની ખાણમાં મોકલાશે. રેશન કાર્ડ આંચકી લેવાતાં આ ખેલાડીઓને ભૂખે મરવાનો સમય પણ આવી શકે છે. કારણ કે ઉત્તર કોરિયામાં કરિયાણું ફક્ત સરકારી દુકાનોમાં જ મળે છે.

કિમ જોંગ એટલે પણ વધારે ગુસ્સામાં છે કારણ કે તેમનો દુશ્મન દેશ દક્ષિણ કોરિયાએ ઓલિમ્પિકમાં 21 મેડલ જીત્યા છે. આ પહેલા કિંગ જોંગે 2010 ફૂટબોલ વર્લ્ડ કપમાં પોર્ટુગલની ટીમ સામે હારતાં ઉત્તર કોરિયાના ખેલાડીઓ પાસે કોલસાની ખાણમાં મજૂરી કરાવાઈ હતી અને ત્યારપછી આકરી ઠંડીમાં ઠૂંઠવાઈ જાય તે માટે છોડી દેવાયાં હતાં.

You might also like