લશ્કરને કિમ જોંગનો આદેશઃ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર રહો

સિયોલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે પોતાના દેશના લશ્કરને આદેશ કર્યો છે કે તેઓ કોઈ પણ સમયે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા માટે તૈયાર રહે. ઉત્તર કોરિયાની સરકારી સંવાદ સમિતિ કેસીએનએના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ પોતાના વિરુદ્ધ નવા પ્રતિબંધો લાદવાની દરખાસ્ત સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિ દ્વારા પસાર કર્યા બાદ તત્કાળ ટૂંકી રેન્જમાં પ્રહારો કરી શકે તેવી મિસાઈલો અને અન્ય શસ્ત્રોનું સમુદ્રમાં પરીક્ષણ કર્યું હતું, જેના પગલે કોરિયામાં તણાવ વધુ ગયો છે.

કિમ જોંગે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાને પોતાની પરમાણુ તાકાત દરેક રીતે વધારવાની જરૂર છે કે જેથી આપણે કોઈ પણ સમયે દેશનું રક્ષણ કરી શકીએ. તેમણે જણાવ્યું છે કે આપણે સેનાઓને પરમાણુ શસ્ત્રોથી સજ્જ રાખવાનો સમય આવી ગયો છે કે જેથી આપણે શત્રુઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ રહી શકીએ અને આપણી સેના કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે.

ઉત્તર કોરિયા દ્વારા ફેબ્રુઆરીમાં મિસાઈલ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયાની સેનાને સતર્ક કરી દેવામાં આવી હતી. ગઈ કાલના પરીક્ષણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિએ ઉત્તર કોરિયાએ કરેલા અણુ પરીક્ષણ વિરુદ્ધ વધુ કડક પ્રતિબંધો લાદવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલ આ પ્રતિબંધ છેલ્લા બે દાયકામાં સૌથી વધુ કડક પ્રતિબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઉત્તર કોરિયાએ ૬ જાન્યુઆરી અને ૭ જાન્યુઆરીના રોજ પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને તેની આ કાર્યવાહીની અમેરિકા સહિત વિશ્વના કેટલાય દેશોએ કડક ટીકા કરી હતી.

You might also like