ઉત્તર કોરિયાએ જાપાન પર કરેલો મિસાઈલ હુમલો

સિઓલ: ઉત્તર કોરિયાએ પ્રથમવાર જાપાનનાં નિયંત્રણવાળાં જળ ક્ષેત્ર પર મિસાઈલ હુમલો કર્યો છે. ઉત્તર કોરિયાએ જાપાનની આ જળ સીમા પર કરેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાની જાપાને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને તે સાથે અમેરિકા તેમજ દક્ષિણ કોરિયા સાથે તેની સ્થિતિ વધુ તંગ બની છે.
અમેરિકન લશ્કરના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાએ વાસ્તવમાં એક સાથે મધ્યમ કક્ષાની બે રોડાંગ મિસાઈલ છોડી હતી, પરંતુ એવું લાગે છે કે એક મિસાઈલમાં ઉડાન વખતે જ વિસ્ફોટ થયો હતો.

ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયામાં એક અત્યાધુનિક અમેરિકન એન્ટી મિસાઈલ સિસ્ટમની સૂચિત તહેનાતી સામે કાર્યવાહી કરવાની ધમકી આપી છે, એ‍વા સમયે આ મિસાઈલ પ્રક્ષેપણ થયું છે. આ ઉપરાંત કેટલાંક સપ્તાહમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાની સંયુક્ત લશ્કરી યુદ્ધ કવાયત શરૂ થનાર છે. જાપાને જણાવ્યું હતું કે એક મિસાઈલ જાપાનના ઉત્તર કિનારાથી લગભગ ૨૫૦ કિ.મી. દૂર જાપાન સમુદ્રમાં દેશના ખાસ કરીને આર્થિક ઝોનની અંદર પડી હતી.

આ પ્રથમ ઘટના છે કે જ્યારે ઉત્તર કોરિયાએ સીધી જાપાનની જળ સીમામાં મિસાઈલ હુમલો કર્યો છે. આ અગાઉ ૧૯૯૮માં બીજા તબક્કાની મધ્યમ રેન્જની મિસાઈલ જાપાન પર છોડવામાં આવી હતી. જે જાપાનના પ્રશાંત મહાસાગરના કિનારા પર સ્પેશિયલ ઈકોનોમિક્સ ઝોનની અંદર ઝીંકાઈ હતી.

અમેરિકાએ ઉત્તર કોરિયાના આ મિસાઈલ હુમલાની સખત શબ્દોમાં ટીકા કરીને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાની આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદના ઠરાવના ઉલ્લંઘન સમાન છે, કારણ કે આ ઠરાવ દ્વારા ઉત્તર કોરિયા પર બેલેસ્ટીક મિસાઈલ ટેકનિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

You might also like