ઉત્તર કોરિયા મામલે UNમાં ઈમર્જન્સી બેઠકઃ US હવે લડી લેવાના મૂડમાં

સંયુક્ત રાષ્ટ્ર સંઘ: ઉત્તર કોરિયા દ્વારા હાઈડ્રોજન બોમ્બના અણુ પરીક્ષણ પર અમેરિકાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હવે હદ થઈ ગઈ છે અને ઉત્તર કોરિયા વિરુદ્ધ સખત અને કડક પગલાં લેવાં પડશે. અમેરિકાના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. અમેરિકન રાજદૂત નિકી હેલીએ જણાવ્યું છે કે હાઈડ્રોજન બોમ્બના પરીક્ષણ બાદ હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. ઉત્તર કોરિયાના છઠ્ઠા અણુ પરીક્ષણ બાદ અમેરિકાનું વલણ અત્યંત કડક છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉત્તર કોરિયાને જવાબ આપવાની વાત કહી ચૂક્યા છે.

ઉત્તર કોરિયાના હાઈડ્રોજન બોમ્બ પરીક્ષણ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી અને હવે અમેરિકા પણ ઉત્તર કોરિયા વિરુદ્ધ આર યા પાર લડી લેવાના મૂડમાં છે. નિકી હેલીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જણાવ્યું છે કે હું સુરક્ષા પરિષદના સભ્યોને કહેવા માગું છું કે હવે બહુ થયું. તેમણે એવું પણ જણાવ્યું છે કે કિમ જોંગનું પગલું સ્વબચાવમાં નથી. ઉત્તર કોરિયા અણુશક્તિને માન્યતા ઈચ્છે છે અને યુદ્ધ છેડવાની માગણી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકન રાજદૂત નિકી હેલીએ ટ્વિટર પર આ ઈમર્જન્સી બેઠકની જાણકારી આપી છે.

બેઠકમાં તેમણે જણાવ્યું છે કે અમેરિકા યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ અમારો દેશ હવે લાંબો સમય હાથ જોડીને બેસી શકે નહીં. આ બેઠકમાં ફ્રાન્સ, બ્રિટન, ઈટાલી વગેરે દેશોએ પણ ઉત્તર કોરિયા દ્વારા બે‌િલસ્ટિક મિસાઈલ પરીક્ષણ બંધ કરાવવા અથવા તેના પર પ્રતિબંધો વધુ કડક કરવાની માગણીને દોહરાવી છે.

You might also like