ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી કૂતરાના ભસવા સમાનઃ ઉત્તર કોરિયા

સિયોલ: ઉત્તર કોરિયાના અણુશસ્ત્રોના કાર્યક્રમ સતત વધતાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને ઉત્તર કોરિયાએ કૂતરાના ભસવા સાથે સરખાવી છે. ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે કૂતરાનું ભસવું અને અમેરિકાની ધમકીઓ એકસમાન છે. ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે અમે ઉત્તર કોરિયાની ધમકીઓથી ડરવાના નથી.

જેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાને સંબોધતાં ઉત્તર કોરિયાને એવી ધમકી આપી હતી કે જો ઉત્તર કોરિયા અમેરિકા કે તેના સાથી દેશો પર હુમલો કરશે તો અમેરિકા ઉત્તર કોરિયાને સંપૂર્ણપણે ખતમ કરી નાખશે. પ્યોંગયાંગ દ્વારા સતત મિસાઈલ અને અણુ બોમ્બના પરીક્ષણ કર્યા બાદ છેલ્લા કેટલાક મહિનાથી બંને દેશો વચ્ચે સતત ટકરાવ ચાલી રહ્યો છે. સૌથી શક્તિશાળી અને છઠ્ઠા અણુ બોમ્બના પરીક્ષણ બાદ ઉત્તર કોરિયા પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો લાદી દીધા છે. ત્યાર બાદ પણ ઉત્તર કોરિયાએ જાપાનને નિશાન બનાવીને પ્રશાંત મહાસાગરમાં બે‌િલસ્ટિક મિસાઈલ દાગી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં સામેલ થવા ન્યૂયોર્ક પહોંચેલા ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન રી યોંગ-હોને જ્યારે પત્રકારોએ ટ્રમ્પના ભાષણ અને ધમકી પર સવાલ પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘એવી કહેવત છે કે હાથી ચાલે બજાર, કૂત્તે ભોંકે હજાર’ આમ, ઉત્તર કોરિયાનું કહેવું છે કે યુએસની ધમકી કૂતરાના ભસવા જેવી છે.

You might also like