ઉ. કોરિયાએ યુધ્ધને લઇને અમેરિકા-દ. કોરિયાને આપી ધમકી

સિયોલ: દક્ષિણ કોરિયા અને અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધ અભ્યાસથી ઉશ્કેરાયેલા ઉત્તર કોરિયાએ આ બંને દેશને ધમકી આપી છે કે હવે ગમે ત્યારે યુદ્ધ થઈને જ રહેશે. ત્યારે હવે એવા સવાલ થઈ રહ્યા છે કે ઉત્તર કોરિયાએ આવી ધમકી આપી છે ત્યારે યુદ્ધ કયારે થશે?

દરમિયાન ચીને ઉત્તર કોરિયાને ફરી એકવાર શાંત રહેવા સલાહ આપતાં જણાવ્યું છે કે માત્ર યુદ્ધ એ જ કોઈ જવાબ અથવા ઉકેલ નથી.સમાચાર સંસ્થા રોઈટર્સના જણાવ્યા અનુસાર ગત છ ડિસેમ્બરે અમેરિકાની વાયુસેનાના વિમાન દક્ષિણ કોરિયાના ઓસાન એરવેજ પર વિજિલેન્ટ એસ નામના સંયુકત અભિયાનમાં સામેલ થયાં હતાં.

આ અભિયાનના એફ-૧૬ વિમાન સહિત કુલ ૨૩૦ વિમાન સામેલ થયાં હતાં. આ અભિયાનના એક સપ્તાહ પહેલા જ ઉત્તર કોરિયાએ તેની સૌથી તાકાતવર ઈન્ટરકોનટિનેટલ બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યુ હતુ. આ મિસાઈલ અમેરિકા સુધી હુમલો કરી શકે તેમ છે.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના એક પ્રવકતાએ જણાવ્યું કે અમેરિકાના અધિકારીઓ જે રીતે યુદ્ધાભ્યાસ કરી બંને દેશ વચ્ચે યુદ્ધોન્માદની સ્થિતિ ઊભી કરી રહ્યા છે તેના પરથી હવે એવું લાગી રહ્યું છે કે ગમે ત્યારે યુદ્ધ થઈને જ રહેશે. અમે તો યુદ્ધ કરવા નથી માગતા. પરંતુ જો તેમ થાય તો તેનો સામનો કરતા અચકાઈશું નહિ.

બીજી તરફ શાંતિની અપીલ કરતા ચીનના વિદેશ પ્રધાનના પ્રવકતાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે અમને આશા છે કે આવી સ્થિતિમાં તમામ સંબંધિત પક્ષો શાંતિ જાળવી રાખશે તેમજ તણાવની સ્થિતિ ઓછી કરવા ખાસ પગલાં લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક માસમાં ઉત્તર કોરિયા દ્વારા અનેકવાર મિસાઈલ અને પરમાણુ બોંબ પરીક્ષણ કર્યા બાદ કોરિયાઈ પ્રાયદ્વીપમાં તણાવની સ્થિતિ ‍વધી ગઈ છે.

You might also like