વર્લ્ડ વોર માટે ઉત્તર કોરિયાનો એટમબોમ્બ તૈયારઃ દક્ષિણ કોરિયા

સિયોલ: ઉત્તર કોરિયાના સરમુખત્યારે વર્લ્ડ વોર માટે ફરી એક વખત અણુ શસ્ત્રોનો ખડકલો તૈયાર કરી લીધો છે. દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન કંગ ક્યૂંગ વ્હાએ સમાચાર સંસ્થાને આ વાતનું સમર્થન આપ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે ઉત્તર કોરિયા હવે ટૂંક સમયમાં અણુ પરિક્ષણ કરી શકે છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું છે કે તમે ચોંકી જશો કે અમેરિકા કોઈ પણ સ્થિતિનો મુકાબલો કરવા તૈયાર છે.

દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન કંગ ક્યૂંગ વ્હાએ એવું પણ જણાવ્યું છે કે છઠ્ઠા અણુ પરિક્ષણ બાદ ઉત્તર કોરિયાના એક ટનલને નુકસાન પણ પહોંચ્યું છે, પરંતુ સરમુખત્યાર શાસન ધરાવતા ઉત્તર કોરિયામાં આવી અનેક ટનલો હજુ પણ મોજૂદ છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી મુલાકાતમાં જણાવ્યું છે કે જ્યારે ઉત્તર કોરિયાનો મામલો હોય ત્યારે તમારે સમજી જવું જોઈએ કે અમેરિકા કોઈ પણ સંભાવ્ય સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે સુશજ્જ છે. ટ્રમ્પે ચીનને લઈને પણ સકારાત્મક વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ચીનના પ્રમુખ શી. જિનપિંગ પાસે નોર્થ કોરિયા બાબતે કંઈ પણ કહેવા માટે ઘણી શક્તિ છે. આ અગાઉ અમેરિકાએ ચીન પર સહકાર નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો. ઉત્તર કોરિયાએ પણ કેટલાક દેશને પત્ર લખીને ધમકી આપી હતી કે અમેરિકા અણુ હુમલા સાથે યુદ્ધનો માહોલ બનાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની સરકારે આવો પત્ર મળ્યાનો એકરાર કર્યો હતો.

ઉત્તર કોરિયા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે જો ટ્રમ્પને એવું લાગતું હોય કે અણુ સત્તા ધરાવતો દેશ ઉત્તર કોરિયાને ઘૂંટણીયે પાડી દેશે તો મોટી ભૂલ કરી રહ્યું છે. ઉત્તર કોરિયા દ્વારા પણ વારંવાર યુદ્ધની ધમકી આપવામાં આવ્યા બાદ કેટલાય દેશો ચિંતિત છે. એવો પણ અહેવાલ આવ્યો હતો કે જેમાં જણાવાયું છે કે અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે અણુ યુદ્ધની ધમકીનો નિવેડો લાવવાની કોશિષ કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ છે અને ગમે તે ઘડીએ યુદ્ધ છેડાવવાની દહેશત વ્યાપેલી છે.

You might also like