ઉત્તર કોરિયાની વધુ એક પરમાણુ પરીક્ષણની તૈયારી

સિઓલ: ઉત્તર કોરિયા દ્વારા દેશના પૂર્વ કિનારા નજીક કરવામાં આવેલા મિડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ નિષ્ફળ ગયા બાદ હવે ઉત્તર કોરિયા આ અઠવાડિયામાં પાંચમી વખત પરમાણુ પરીક્ષણ કરશે એવી દહેશત ઊભી થઈ છે.

ઉત્તર કોરિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો પ્રમુખ કિમ જોંગ આદેશ કરશે તો ઉત્તર કોરિયા હજુ વધુ એક પરમાણુ પરીક્ષણ કરવા સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ ૮૦૦ માઈલ સુધી પ્રહાર કરી શકે તેવી ક્ષમતા ધરાવતા મિડલ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ મુસુદનનું ગઈ કાલે પરીક્ષણ કર્યું હતું. જોકે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ આ મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ ગયું છે.

મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ જવાને પગલે હવે ઉત્તર કોરિયા આગળની કાર્યવાહી શું કરશે એ અંગે સમગ્ર વિશ્વમાં જુદા જુદા તર્ક વિતર્કો વહેતા થયા છે. કોરિયાના સંરક્ષણ મંત્રાલય અને નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મુસુદુન મિસાઈલ ૩,૦૦૦ કિ.મી.થી વધુ અંતરે પ્રહાર કરી શકે એ રીતે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ હવે આ પરીક્ષણ નિષ્ફળ જતાં ઉત્તર કોરિયાનો સંરક્ષણ વિભાગ પ્રમુખ કિમ જોંગના આદેશની પ્રતીક્ષા કરી રહ્યું છે. એવી અટકળો વહેતી થઈ છે કે ઉત્તર કોરિયા હવે મિસાઈલ નિષ્ફળ ગયા બાદ વધુ એક પરમાણુ પરીક્ષણ કરી શકે છે અને તેના સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ ઉત્તર કોરિયા સક્ષમ અને સજ્જ છે.

You might also like