ઉત્તર કોરિયાએ લાંબા અંતરના રોકેટનું પરિક્ષણ કર્યું

સિયોલ: ઉત્તર કોરિયાના આજે લાંબા અંતરના રોકેટના લોંચના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. નારાજ થયેલા અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાકિદની બોલાવવાની અપીલ કરી છે. પરિષદના રાજકારણીઓએ કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં ભારતીય સમય મુજબ ૯.૩૦ વાગે આ બેઠક યોજાઈ હતી. સિયોલની સેનાએ રોકેટ પરીક્ષણને સમર્થન આપી દીધું છે.

દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપતા કહ્યું છે કે, ઉત્તર કોરિયાએ આજે ડોંગચંગરી મિસાઇલ બેઝથી આ રોકેટનું પરીક્ષણ કર્યું હતું. જાપાને ઉત્તર કોરિયાના આ પગલાને અતિ અસહિષ્ણુ તરીકે ગણાવીને આની ઝાટકણી કાઢી છે. ઉત્તર કોરિયાએ થોડાક દિવસ પહેલા હાઈડ્રોજન બોંબનું પરીક્ષણ પણ કર્યું હતું.

રોકેટ પરીક્ષણના બહાને મિસાઇલ પરીક્ષણ થઇ રહ્યા છે. બીજી બાજુ ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગે કહ્યું છે કે, તેમનો અંતરિક્ષ કાર્યક્રમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે પરંતુ મોટાભાગના વિશ્વના દેશો તેના રેકેટ પરીક્ષણને અયોગ્ય ગણે છે અને બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ માને છે. પરમાણુ હથિયારો વિકસિત કરવાનું કામ ઉત્તર કોરિયા દ્વારા કરાઈ રહ્યું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ઉપગ્રહને લઇ જઇ રહેલા રોકેટના સફળતાપૂર્વક પરિભ્રમણ કક્ષામાં પ્રવેશ કરવાના અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યું નથી.

બીજા તબક્કામાં કેટલીક અડચણો ઉભી થઇ હતી. ઉત્તર કોરિયાના સરકારી ટીવીએ કહ્યું છે કે, વધુ જાહેરાત કરવામાં આવનાર છે. વિશ્વભરમાં આની નિંદા કરવામાં આવી છે. અમેરિકાએ આ પરીક્ષણને અસ્થિરતા ફેલાવનાર અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. જાપાનના વડાપ્રધાન શીન્જોએ કહ્યું છે કે, આ સંપૂર્ણપણે ફગાવી દેવા જેવી બાબત છે. ઉત્તર કોરિયાના પગલાથી વિશ્વના દેશો હાલમાં હચમચી ઉઠ્યા છે. દક્ષિણ કોરિયા અને જાપાન બંને પહેલાથી જ ધમકી આપી ચુક્યા છે કે, જો રોકેટ તેના ક્ષેત્રમાં પ્રવેશ કરશે તો તેને ફૂંકી મારવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કેટલાક પ્રસ્તાવ મારફતે ઉત્તર કોરિયાને બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમને રોકવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ પ્યોંગયાંગે આને શાંતિપૂર્ણ અંતરિક્ષ અભિયાન તરીકે ગણાવીને કહ્યું છે કે, તેના રોકેટ બંને પ્રયોગની ટેકનોલોજીથી સજ્જ છે જેમાં સૈન્ય અને બિનસૈન્યના પ્રયોગનો સમાવેશ થાય છે. અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાને ચેતવણી આપી છે કે, જો ઉત્તર કોરિયા આ દિશામાં આગળ વધશે તો તેને ભારે કિંમત ચુકવવી પડશે. ઉત્તર કોરિયાએ છઠ્ઠી જાન્યુઆરીના દિવસે પણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાના જિદ્દી વલણના કારણે વિશ્વના દેશો ચિંતાતુર દેખાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી જાન્યુઆરીના દિવસે ઉત્તર કોરિયાએ સફળરીતે હાઇડ્રોજન બોમ્બનુ પરીક્ષણ કર્યુ હતુ. જેથી દુનિયાના દેશોમાં ખળભળાટ મચી ગયો છે. નોર્થ કોરિયા ટીવીએ કહ્યુ છે કે કિમ જોંગે હાઇડ્રોજન બોમ્બનુ સફળ પરીક્ષણ કર્યુ હતું. સ્વાભાવિકરીતે ઉતર કોરિયાએ પરીક્ષણ કરીને વિશ્વના દેશોને હચમચાવી દીધા હતા.

You might also like