ઉત્તર કોરિયાની યુએસને સૌથી મોટી ધમકીઃ અમે હાઇડ્રોજન બોમ્બ ઝીંકીશું

ન્યૂયોર્ક: સતત આપવામાં આવી રહેલી ધમકીઓના સિલસિલા વચ્ચે ઉત્તર કોરિયાએ આજે અમેરિકાને સૌથી મોટી ધમકી આપતાં જણાવ્યું હતું કે જો અમેરિકા અમારા વિરુદ્ધ કોઇ પણ લશ્કરી કાર્યવાહી કરશે તો અમે સૌથી પાવરફુલ હાઇડ્રોજન બોમ્બ પ્રશાંત મહાસાગરમાં ઝીંકી દઇશું. ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાને આ નિવેદન પોતાના નેતા કિમ જોંગ ઉનનાં એ નિવેદનના કેટલાક કલાકો બાદ કર્યું હતું જેમાં તેમણે અમેરિકાનના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ધમકીનાં પરિણામો ભોગવવાં પડશે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત કિમ જોંગે ટ્રમ્પને માનસિક દેવાળિયા અને ગેંગસ્ટર હોવાનું જણાવ્યું હતું.

ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન રી યોંગ-હોયે ન્યૂયોર્કમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે પ્રશાંત મહાસાગરમાં અત્યાર સુધીમાં સૌથી મોટો હાઇડ્રોજન બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. અમને હાલ ખબર નથી કે કયા પ્રકારની એકશન લેવામાં આવશે. કારણ કે કોઇ પણ કાર્યવાહી કિમ જોંગ ઉનના આદેશ બાદ જ કરવામાં આવશે. કિમ જોંગ ઉન ટ્રમ્પની ધમકી બાદ સૌથી કડક કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે. જ્યારે રી યોંગ સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં ભાગ લેવા ન્યૂયોર્ક આવ્યા છે.

આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે રોકેટમેન કિમ જોંગ પોતે અને પોતાના દેશ માટે એક સ્યુસાઈડ મિશન પર છે. જો ઉત્તર કોરિયા અમેરિકા અને તેના સાથી દેશો પર હુમલો કરશે તો વોશિંગ્ટન પાસે ઉત્તર કોરિયાને બરબાદ કર્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.

આ ધમકીના જવાબમાં ઉત્તર કોરિયાએ હવે અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતાં જણાવ્યું છે કે ઉત્તર કોરિયા હવે હાઇડ્રોજન બોમ્બ ઝીંકીને જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાના આરંભે ઉત્તર કોરિયાએ પોતાના સૌથી પાવરફુલ હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટના કારણે ચીન સરહદે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. ઉત્તર કોરિયાની આ ધમકીને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You might also like