ઉ. કોરિયા પાસે ૧૫૦ કિલો યુરેનિયમઃ ૨૦ અણુબોમ્બ બનાવવા સક્ષમ

સિઓલ: ઉત્તર કોરિયા અને તેના પરમાણુ કાર્યક્રમ અંગે દ‌િક્ષણ કોરિયા રોજે રોજ નવા દાવા કરી રહ્યું છે. દ‌િક્ષણ કોરિયાનાં શસ્ત્ર નિષ્ણાતનું કહેવું છે કે ઉત્તર કોરિયા અણુબોમ્બ બનાવવા માટે જરૂરી યુરેનિયમનો ભંડાર સતત વધારી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં તેની પાસે ૧પ૦ કિલો જેટલો એનરિચ્ડ યુરેનિયમનો જથ્થો હશે. આ મટીરિયલ્સથી વર્ષના અંત સુધીમાં ઉત્તર કોરિયા ર૦ અણુબોમ્બ બનાવી શકશે.

આ અગાઉ દ‌િક્ષણ કોરિયા એવું પણ કહી ચૂકયું છે કે ઉત્તર કોરિયા છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. ૯ સપ્ટેમ્બરે ઉત્તર કોરિયાએ પાંચમું અણુ પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાના અણુ કાર્યક્રમના નિષ્ણાત સીગફ્રીડ હેકરના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયા પાસે પૂરતા પ્રમાણમાં અણુ સામગ્રી છે. તેના પાંચમા અણુ પરમાણુ પરીક્ષણથી અા વાત પુરવાર થઇ ગઇ છે.

હેકરના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા પાસે ૧પ૦ કિલો (૩૩૦ પાઉન્ડ) એનરિચ્ડ યુરેનિયમ ઉપરાંત ૩રથી પ૪ કિલો જેટલું પ્લુટોનિયમ પણ છે અને આમ ર૦૧૬ના અંત સુધીમાં તેની પાસે ર૦ અણુબોમ્બ બનાવવા જેટલી પર્યાપ્ત અણુ સામગ્રી હશે.

હેકરે આ ઘટસ્ફોટ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની ૩૮ નોર્થ નામની વેબસાઇટ પર પોતાના આર્ટિકલમાં કર્યો છે. ઉત્તર કોરિયાના એનરિચ્ડમેન્ટ પ્રોગ્રામને વાઇલ્ડ કાર્ડ તરીકે જોવામાં આવે છે. પશ્ચિમના નિષ્ણાતો એ જાણતા નથી કે ઉત્તર કોરિયા કેટલું એડવાન્સ્ડ છે. દ‌િક્ષણ કોરિયાના સંરક્ષણ પ્રધાન હાનમીન-કુના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા પાસે ૪૦ કિલો પ્લુટોનિયમ છે.

You might also like