ઉત્તર કોરિયા પાસે અણુબોમ્બથી વધારે શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બ

પ્યોંગયાંગ : ઉત્તર કોરિયાના વડા કિમ જોંગે આજે દાવો કર્યો હતો કે તેમના દેશે ઓછાં શકિતશાળી અણુબોમ્બ કરતાં એક પગલું આગળ વધીને હાઈડ્રોજન બોમ્બ વિક્સાવ્યો છે. આ દાવો તેમણે પ્યાંગ ચોનની ક્રાંતિકારી ભૂમિ પરથી કરી હતી. આ સ્થળ તેમના પિતા અને દાદાની કર્મભૂમિ રહ્યું હતું. તેમણે કહ્યું કે હાઈડ્રોજન બોમ્બની સાથે જ અમારી અણુશક્તિમાં વધારો થયો છે. જોકે, નિષ્ણાતોએે તેમના દાવા વિશે શંકા વ્યક્ત કરી હતી.

કિમે કહ્યું હતું કે ઉત્તર કોરિયા પોતાના સાર્વભૌમત્વ અને ગરિમાને જાળવી રાખવા અને પોતાનો બચાવ કરવા સ્વદેશી બનાવટના અણુબોમ્બ અને હાઈડ્રોજન બોમ્બનો ધડાકો કરવા માટે શક્તિશાળી અણુશસ્ત્રો ધરાવતો દેશ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા અગાઉ ત્રણ વખત અણુબોમ્બનું પરિક્ષણ કરી ચૂક્યું છે. વર્ષ ૨૦૦૬, ૨૦૦૯ અને ૨૦૧૩માં કરાયેલા આ તમામ પરિક્ષણો જમીનની અંદર કરવામાં આવ્યા હતા. તેને લીધે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદે તેના પર પ્રતિબંધો લાદયા હતા.

પરંતુ હાઈડ્રોજન બોમ્બનો ખુલાસો પહેલી વાર કરવામાં આવ્યો છે. દરમ્યાન, દક્ષિણ કોરિયાની ગુપ્તચર સંસ્થાએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા પાસે હાઈડ્રોજન બોમ્બ બનાવવાની ક્ષમતા હોય તેવા કોઈ પુરાવા નથી. અણુક્ષમતાના પોતાના દાવા છતાં ઉત્તર કોરિયા અણુશસ્ત્ર વહન કરી શકે તેવી મિસાઈલ બનાવી શકે તેમ નથી. ગયા સપ્ટેમ્બરમાં અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલા ઈન્સ્ટિટ્યુટ ફોર સાયન્સ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યુરિટીએ ઉત્તર કોરિયાના યાંગયોન અણુમથકમાં ખતરનાક શસ્ત્ર બનાવવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરી હતી.

સંસ્થાએ સેટેલાઈટ તસવીરોના આધારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ હાઈડ્રોજન બોમ્બ બનાવવાની ટેકનિક વિક્સાવી લીધી છે. ત્યાં ટ્રાઈટિરિયમ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રાઈટિરિયમ એ હાઈડ્રોજન બોમ્બ બનાવવામાં મુખ્ય સામગ્રી છે.
ઉત્તર કોરિયા દ્રારા હાઈડ્રોજન બોમ્બ બનાવવામાં આવતાં અમેરિકા સહિત ફ્રાંસ અને રશિયા માટે જોખમ ઉભું થઈ ગયું છે, કારણ કે આ દેશો ઉત્તર કોરિયાના અણુ કાર્યક્રમને અટકાવવા માગે છે. જોકે, ઉત્તર કોરિયાની અણુક્ષમતા કેટલી છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

You might also like