ઉ. કોરિયા સામે લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લોઃ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા ઉત્તર કોરિયા વિરુદ્ધ લશ્કરી વિકલ્પ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે એવી ચેતવણી આપી છે કે જો બંને દેશો વચ્ચે હવે તણાવ વધશે તો તે કોરિયા માટે વિનાશક પુરવાર થશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે ઉ. કોરિયા વિરુદ્ધ બીજા વધારાના પ્રતિબંધો લાદ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના અણુ કાર્યક્રમને લઇ તેના પર દબાણ વધારવાનાં પગલાં તરીકે ઉત્તર કોરિયાની ૮ બેન્કો અને ર૬ બેન્ક અધિકારીઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. અમેરિકાની આ કાર્યવાહી ઉત્તર કોરિયાના એ નિવેદન બાદ કરવામાં આવી છે, જેમાં તેણે એવું જણાયું હતું કે અમેરિકાનાં બોમ્બર વિમાનોને ફૂંકી મારીને અમે અમારું રક્ષણ કરવા સક્ષમ અને સજજ છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને ઉશ્કેરતાં જણાવ્યું છે કે અમેરિકાનું સૈન્ય અભિયાન ઉત્તર કોરિયા માટે તબાહી લાવશે. સાથે-સાથે તેમણે એવું પણ જણાવ્યું છે કે અમેરિકા હવે ઉત્તર કોરિયા વિરુદ્ધ લશ્કરી વિકલ્પનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે સજજ છે, જોકે તેમણે સાથે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના બે‌િલસ્ટિક અને અણુશસ્ત્ર કાર્યક્રમ વિરુદ્ધ સેનાનો ઉપયોગ કરવો એ પ્રથમ વિકલ્પ નથી. વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો અમે સૈન્ય વિકલ્પ પસંદ કરીશું તો મોટી તબાહી સર્જાશે.

આમ, એક જ અઠવાડિયાની અંદર અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર બીજી વખત પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આ અગાઉ અમેરિકાએ પ્રવાસ પ્રતિબંધ માટે કેટલાક દેશોની યાદી જાહેર કરી હતી, જેમાં ઉત્તર કોરિયાનું નામ પણ હતું. આમ, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે દિન-પ્રતિદિન તણાવ વધી રહ્યો છે. આ સંદર્ભમાં ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન રિ યોંગ હાએ અમેરિકા દ્વારા યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો અને તેનો સજજડ જવાબ આપવાની પણ ધમકી આપી હતી.

You might also like