ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી અમદાવાદમાં ઠંડાે પવન ફૂંકાયાે

અમદાવાદ: જમ્મુ-કાશ્મીર સહિતના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થવાથી અમદાવાદનું વાતાવરણ પણ ગઈ કાલથી અચાનક પલટાયું છે. શહેરમાં શીતાગાર પવન ફૂંકાતા હોઈ માર્ચ મહિનાની ગરમી અદૃશ્ય થઈ છે. આજે વાદળછાયા માહોલથી શિયાળાની એક આહ્લાદક સવારનો અનુભવ અમદાવાદીઓને થયો હતો, જોકે હોળી-ધુળેટી બાદ હવામાન રાબેતા મુજબ થઈ જશે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠું પડવાથી રવીપાકને પણ આંશિક નુકસાન થયું હતું. ગઈ કાલે અમદાવાદનું હવામાન પણ ઠંડુંગાર થયું હતું.
ગઈ કાલે શહેરમાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું, જ્યારે આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૭.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું તેમ જણાવતાં હવામાન વિભાગનાં સૂત્રો વધુમાં કહે છે, હોળી-ધુળેટી બાદ શહેરમાં ગરમી વધશે.

દરમિયાન અમદાવાદમાં માર્ચ મહિનામાં પડેલી ગરમીનો છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તપાસતાં ગત તા.૨૧ માર્ચ, ૨૦૧૦એ શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૪૩.૦ ડિગ્રી સેલ્સિયસે જઈને અટક્યો હતો, જ્યારે માર્ચ મહિનામાં ગરમીનો ઓલટાઈમ રેકોર્ડ ગત તા.૩૧ માર્ચ, ૧૯૦૮એ ૪૩.૯ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનનો નોંધાયો છે.
http://sambhaavnews.com/

You might also like