ભાજપની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉત્તર ગુજરાતની ર૬ બેઠક માટે કશ્મકશ

અમદાવાદ: ઉત્તર ગુજરાતની ર૬ બેઠક માટે ગઇ કાલે ભાજપ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં કશ્મકશ ચાલી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. ૧૮ર બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવા પૈકી પહેલા તબક્કાની ૮૯ બેઠકના ઉમેદવારો માટે ગઇ કાલે દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી.

અા બેઠકમાં ઉત્તર ગુજરાતની ર૬ બેઠક મુદ્દે સર્વ સંમતિ સધાઇ નહોતી જેના કારણે ભાજપની આખરી યાદી તૈયાર થઇ શકી નહોતી. જેનું મુખ્ય કારણ રાજ્ય સરકારે આપેલી પેનલ અને પેનલની સાથે સાથે ઉમેદવારોનાં નામની સામે મૂકવામાં આવેલા સર્વે અને તારણોમાં મોટો તફાવત હોવાનું જાણવા મળે છે.

જેને કારણે ગઇકાલે મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે આ બેઠકો પર પ્રભારી અને મહામંત્રી ભૂપેન્દ્ર શાહ અને રાજ્યના ટોચના નેતાઓ જિલ્લા અને તાલુકાના નેતાઓ પાસે પેનલનાં નામો વિશે ફરીવાર અભિપ્રાય લેશે અને સમગ્ર ક્વાયત પૂરી થયા બાદ જ ભાજપ નામ ફાઇનલ કરશે.

ઉત્તર ગુજરાતમાં પાટીદારોના મત પ્રભુત્વ ધરાવે છે. ર૦૧રની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ૩ર સીટમાંની ભાજપને માત્ર ૧૪ સીટ મળી હતી જ્યારે કોંગ્રેસે ૧૭ સીટ મેળવી હતી સાબરકાંઠામાં ભાજપના તત્કાલીન ગૃહ પ્રધાન પ્રફુલ પટેલ પણ હાર્યા હતા. હભાજપને સાબરકાંઠા માત્ર એક જ સીટ મળી હતી. વિજાપુરમાં સતત બે ટર્મથી ભાજપના હાથમાં રહેલી સીટ કાંતિલાલ પટેલની લોક ફરિયાદોને કારણે ભાજપે ગુમાવી હતી.

મહેસાણા ભાજપનો ગઢ ગણાતો હતો તે જિલ્લો આંચકી કોંગ્રેસ બે સીટ મેળવી હતી. ભાજપને ર૦૧રમાં ૩રમાંથી માત્ર ૧૪ સીટ મળી હતી જે ઘટીને ૧૦ થાય તેવું તારણ હોય ભાજપ ફરી ર૬ સીટ માટે સેન્સ લેશે તેવુ આંતરિક સૂત્રોએ જણાવ્યું છે.

You might also like