પ્રગતિશીલ કન્નડ વિદ્વાન કલબુર્ગીને ઠાર મરાયા

બૈગ્લુર : ડાબેરી વિચારક અને હંપી યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ પ્રો. એમ.એમ. કલબુર્ગીની ધારવાડ ખાતેના તેમના નિવાસસ્થાને કેટલાંક અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ ઘટના આજે સવારે બની હતી. કલબુર્ગી એક ટ્રષ્ટિએ કર્ણાટકના ભોલકર હતાં. મહારાષ્ટ્રમાં રહેતા નરેન્દ્ર દાભોલકર જેમની ઓગસ્ટ ૨૦૧૩માં હત્યા કરવામાં આવી હતી તેમની માફક જ પ્રો. કલબુર્ગી છેલ્લા ઘણાં વર્ષોથી હિંદુત્વ વિચારકોની વિરુધ્ધમાં હતાં.

પ્રો. કલબુર્ગીને મળી રહેલી ધમકીઓને ધ્યનમાં રાખીને તેમને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું. તેમના સંબંધી નાગરાજ એ થિગાડીએ જણાવ્યું હતું કે પ્રો. કલબુર્ગીના નિવાસસ્થાન બહાર તેમની સુરક્ષા માટે જે પોલીસ કર્મીને ફરજ પર મૂકવામાં આવ્યાં હતાં તેમને ત્રણ મહિના અગાઉ પ્રો.  કલબુર્ગીના કહેવાથી હટાવી લેવામાં આવ્યા હતાં.

જૂન ૨૦૧૪માં એક હિંદુત્વ કાર્યકરે પ્રો. કલબુર્ગી અને લેખક યુ.આર. અર્નતમૂર્તિ સામે ધાર્મિક લાગણીઓને દુભાવવાના આરોપસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ૯ જૂન ૨૦૧૪ના રોજ એક જાહેરસભામાં બોલતાં તેમણે મૂર્તિપૂજાની ટીકા કરી હતી. તેમના આ નિવેદન પર હિંદુવાદી સંગઠનોએ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને શ્રી રામસેનાએ દેશભરમાં પ્રો. કલબુર્ગીના વિરોધમાં દેખાવો યોજયા હતાં.

ધારવાજ પોલીસે હત્યા વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જણાવ્યું કે તેઓ પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છે.

You might also like