ગણેશોત્સવમાં મૂર્તિના વિવાદ સામે જંગી રેલી

વડોદરા : ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે શહેરના વિવિધ મંડળો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂર્તિઓની સ્થાપના કરવા માટેની તૈયારીઓ થઇ ગઇ છે તેવે સમયે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પીઓપીની મૂર્તિઓ નહીં બેસાડવા અને પાંચ ફૂટથી વધુ મોટી મૂર્તિ નહીં બનાવવાનું જાહેરનામુ પ્રસિધ્ધ થયાથી ભારે વિવાદ સર્જાયો છે.

શહેરના મૂર્તિકારોની પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ધરપકડો અને જાહેરનામાનો વિરોધ વ્યકત કરવા માટે શહેરના વિવિધ મંડળો દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો યોજી રેલી કાઢવામાં આવી હતી. સર સયાજીરાવના સમયથી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની આનબાન શાન સાથે શહેરમાં ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ અનેક મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવનાર છે પરંતુ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે પીઓપીની મૂર્તિઓ નહીં બનાવવી અને પાંચ ફૂટથી ઉંચી મૂર્તિ નહીં બનાવાનો આદેશ વાહિયાત છે.

આ માટે પોલીસ દ્વારા અનેક મૂર્તિકારોની ધરપકડનો દૌર શરૃ કરવામાં આવતા શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા આનો વિરોધ વ્યકત કરવામાં આવી રહયો છે. આજે શહેરના વિવિધ મંડળો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો યોજી ગણપતિ બાપ્પા મોરીયા સાથે સૂત્રોચ્ચાર કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો અને ધરપકડનો વિરોધ વ્યકત કરી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગ ખાતે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.

પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે ચકમક પણ ઝરી હતી. આ દેખાવો બાદ તમામ મંડળોએ રેલી સ્વરૃપે શહેરના દાંડિયાબજાર સ્થિત સિધ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચી પ્રાર્થના કરવામાં આવી હતી કે રાજકારણીઓ અને પોલીસને સદબુધ્ધી આપે. આ સાથે મંડળો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષની જેમ ગણપતિ ઉત્સવમાં કોઇપણ રાજકીય અગ્રણીને આરતી ઉતારવા માટે બોલાવવામાં નહીં આવે.

આમ હવે ગણપતિની મૂર્તિનો વિવાદ દિવસે દિવસે વધુ ઘેરો બનતો જઇ રહયો છે અને આગામી દિવસોમાં આ વિરોધનો સિલસિલો જારી રહેશે તેમ વિવિધ મંડળના આગેવાનોએ જણાવ્યું હતું.

 

You might also like